ડાંગ: ગિરિમથક સાપુતારા કુદરતી સૌંદર્ય અને આહલાદક વાતાવરણ માટે જાણીતું છે. આ સાથે જ હવે સ્ટ્રોબેરી માટે પણ લોકો સાપુતારાને યાદ કરે છે. સાપુતારાના તળેટી વિસ્તારના દબાસ, ગલકુંડ, ચીખલી, બોરીગાવઠા સહિત સરહદીય વિસ્તારોમાં મોટા પાયે સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવે છે. દેખાવે લાલ ચટાક અને ખાટી-મીઠી સ્ટ્રોબેરી ખૂબ જ સંવેદનશીલ હોય છે. જે વધુ સમય રહેતાં બગડી જવાની શક્યતા ધારાવતી હોય છે, તેવામાં હવે સાપુતારાની સ્ટ્રોબેરીની વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવા સ્થાનિક વેપારીએ સાપુતારા સેપ્રો નામનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે.
સાપુતારાના કુદરતી સૌંદર્ય વચ્ચે હવે સ્ટ્રોબેરીની મજા, જુઓ ખાસ અહેવાલ - સાપુતારાના તાજા સમાચાર
મહાબલેશ્વર બાદ હવે સાપુતારાની ઓળખ પણ સ્ટ્રોબેરીની બની છે. ડાંગ જિલ્લામાં સ્ટ્રોબેરીનો મબલક પાક ઉતરતાં હવે સ્થાનિક કક્ષાએ ગૃહ ઉદ્યોગના માધ્યમથી સ્ટ્રોબેરી માંથી જેલી ચોકલેટ, જામ, મિલ્કશેક, જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે.
2 વર્ષથી ચાલનારા આ ગૃહ ઉદ્યોગમાં સ્થાનિક ખેડૂતો પાસેથી સ્ટ્રોબેરી, જાબું, પપૈયા વગેરે ફળોની ખરીદી કરવામાં આવે છે. થોડાં સમય પહેલાં ગાંધીનગર ખાતે યોજાયેલા ખાદ્ય-ખોરાક એક્ઝિબિશનમાં આ ગુહ ઉદ્યોગની તમામ પ્રોડક્ટ રજૂ કરવામાં આવી હતી. જેનાં કારણે રાજકોટ, પાટણ વગેરે જિલ્લાઓમાં પણ સાપુતારાના પ્રોડક્ટની માગ વધી છે, જ્યારે ગુજરાત સહિત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ આ વસ્તુઓની નિકાશ કરવામાં આવે છે. સ્થાનિક કક્ષાએ ફળની બનવટોનું ઉત્પાદન થવાના કારણે સ્થાનિક ખેડૂતો સહિત સ્થાનિક લોકોને ઘર આંગણે રોજગારી મળી રહે છે.
સાપુતારા સેપ્રો ફૂડસના સંચાલક અમોલ કરડીલે જણાવ્યું હતું કે, સાપુતારા આવનારા પ્રવાસીઓ હવે અહીંના રમણીય વાતાવરણની સાથે સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ થતી વાનગીઓ અને તેની બનાવટની વસ્તુઓ યાદગીરીરૂપે લઈ જાય તેવો અમારો આશય છે. અહીં આરોગ્યવર્ધક પાઉડર અને જ્યુસ ડાયાબિટીસના દર્દીઓને ખુબ ઉપયોગી સાબિત થયું છે.