ડાંગઃ જિલ્લામાં કોરોના વાઇરસના વિશ્વ વ્યાપી કહેરને પગલે સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. આ સાથે જ કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતું અટકાવવા ટ્રેન સેવા તેમજ ST બસોની સેવાઓ પણ મોકુફ રાખવામાં આવી હતી.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા (એસ.ટી.ડેપો) ખાતે ડાંગ કલેક્ટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે સરકારના દિશાનિર્દેશ અનુસાર ST બસો શરૂ કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લામાં લોકડાઉનની મર્યાદા સાથે શરૂ કરાઇ ST બસો. .. લોકડાઉન શરૂ થયાને 59 દિવસ બાદ લોકડાઉનની મર્યાદાઓ સાથે ST બસો શરૂ થતા ડાંગના લોકોમાં આનંદ ફેલાયો હતો. ડેપોમેનેજર જગદીશભાઇ ગાવિતે જણાવ્યું હતું કે આજરોજ ડાંગ જિલ્લાના આહવા, વધઇ અને સુબીર, સાપુતારા જેવા 12 લોકલ રૂટો શરૂ કરાયા છે. કોરોના વાઇરસથી સાવધાની રાખવાના હેતુસર તમામ ST બસોને સેનેટાઈઝ કરી સ્વચ્છ કરવામાં આવી છે.
તમામ પ્રવાસીઓએ પણ આરોગ્ય વિભાગની ગાઇડલાઇન અનુસાર મોંઢા પર માસ્ક પહેરવાના રહેશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. તેમજ દરેક પ્રવાસીનું સ્ક્રીનીંગ કંડક્ટર દ્વારા કરવામાં આવશે. તમામ રૂટો પરથી પરત આવતી બસોને સેનેટાઇઝ કરવામાં આવશે. આહવા-વધઇ, આહવા, ગલકુંડ, સાપુતારા, આહવા, મહાલ, સુબીર, આહવા જેવા સ્થળોએ STબસો ચાલુ કરવામાં આવી છે.
સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે મોટી બસોમાં 30 પ્રવાસી અને મીની બસમાં 18 પ્રવાસીને બેસાડવામાં આવશે. ST નિગમના જણાવ્યા અનુસાર પ્રવાસીઓએ ઈ-ટીકીટ મેળવવાથી સોશિયલ ડિસ્ટન્સનો અભિગમ સાકાર થશે.