સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, અહીંના તમામ ગામોનો વિકાસ થાય તે જોવાની જવાબદારી મારી છે. ગામોના વિકાસ માટે સરકાર દ્વારા દરેક યોજના પાછળ વિપુલ માત્રામાં ખર્ચ કરવામાં આવે છે. તમારા ગામના કામો સારા થાય તે માટે ગ્રામજનોએ પણ જાગૃત રહેવું જરૂરી છે. કોઇપણ પ્રકારના કામોમાં નરમાશ ચલાવી લેવામાં આવશે નહીં. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામોની ચકાસણી કરવામાં આવશે. સેવાસેતુ કાર્યક્રમ દ્વારા લોકોને પોતાના ગામમાં જ સેવા મળી રહે, તે પ્રકારનું આયોજન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ પારદર્શક રીતે કામગીરી કરવામાં આવે છે. હવે શાળામાં શિક્ષક નિયમિત આવે, તે માટે ઓનલાઈન હાજરી પુરવામાં આવે છે. આંગણવાડી કાર્યકરો તથા આરોગ્યની સેવાઓ લોકોને નિયમિત મળી રહે તથા ડાંગ જિલ્લાના આદિવાસી લોકોને 2 રૂપિયા પ્રતિ કિલો ચોખા તેમજ 3 રૂપિયા પ્રતિ કિલો ઘઉંનું વિતરણ સરકાર દ્વારા કરવામાં આવે છે. તેનું પણ ગ્રામજનોએ ધ્યાન રાખવાનું છે.
ડાંગમાં વન અને આદિજાતિ વિકાસ પ્રધાનની હાજરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો - સમાજ કલ્યાણ યોજના
ડાંગઃ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા બીજુરપાડા ગામની પ્રાથમિક શાળામાં શુક્રવારે રાજ્યના વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાન રમણલાલ પાટકર અને મહાનુભાવો દ્વારા ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય પેન્શન યોજના અને સમાજ કલ્યાણ યોજના દ્વારા જાતિના દાખલાઓ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા માં વાત્સલ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 24,000 લાભાર્થીઓને માં વાત્સલ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, આહવાના ડૉ. દિગ્વેશ ભોયેએ જણાવ્યું હતું કે, દરેક સેવાસેતુ કાર્યક્રમમાં 150થી વધારે લાભાર્થીઓ લાભ મેળવે છે.
આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર અને અધિક કલેકટર કે. જી. ભગોરા, પ્રાંત અધિકારી કાજલબેન ગામીત, માજી જિલ્લા પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા, APMC ડિરેક્ટર રતિલાલ રાઉત, સુબીર મામલતદાર એમ. એસ. માહલા, લાયઝન ઓફિસર અને ડિઝાસ્ટર મામલતદાર જયેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી સુરેશ કલારા, શાળાના આચાર્ય મુકેશભાઈ એચ. ચૌધરી, આયુવેર્દિક હોસ્પિટલના ડૉ. દિગ્વેશ ભોયે, ડૉ. દિલીપ શર્મા, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઈજનેર દિલીપ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.