ડાંગઃ ડાંગ જિલ્લો દંડકારણ્ય પ્રદેશ તરીકે ઓળખાય છે. આ પ્રદેશ સાથે રામાયણકાળની વાતો જોડાયેલી છે. જેમાં ભગવાન રામ વનવાસ દરમિયાન પંચવટી તરફ ગયાં હતાં ત્યારે તેઓ ડાંગની ધરતી પરથી પસાર થયાં હતાં. રામ ભક્ત હનુમાનજીનો જન્મ અહીં થયો હોય એવું પણ લોકો માને છે. માટે જ અહીં ગામનું નામ અંજન કુંડ રાખવામાં આવેલ છે. અંજન કુંડ ગામમાં અંજની પર્વત, અંજન કુંડ, અને અંજની ગુફા આવેલ છે.
ડાંગના અંજન કુંડ ગામે 300 ફૂટ ઉંચા ધોધના નયનરમ્ય દ્રશ્યો... - dang news
ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ઠેરઠેર પહાડો ઉપર ધોધ જોવા મળતાં હોય છે. જેમાં ગીરાધોધ ખૂબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ધોધ પણ સોળેકળાએ ખીલી ઉઠે છે. ડાંગ જિલ્લાના અંજન કુંડ ગામે 300 ફૂટ ઊંચા પર્વત ઉપરથી વરસતા ધોધનાં સુંદર દ્રશ્યો સર્જાયાં છે.
![ડાંગના અંજન કુંડ ગામે 300 ફૂટ ઉંચા ધોધના નયનરમ્ય દ્રશ્યો... ડાંગના અંજન કુંડ ગામે 300 ફૂટ ઉંચા ધોધના નયનરમ્ય દ્રશ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8736162-thumbnail-3x2-dhodh-gj10029.jpg)
સ્થાનિકો જણાવે છે કે અંજની માતાએ અંજની પર્વત ઉપર તપ કર્યું હતું. અંજની માતાનાં તપની ફલશ્રુતિરૂપે તેમણે અંજની ગુફામાં હનુમાનજીને જન્મ આપ્યો હતો. અંજની ગુફાની લગોલગ આવેલા અંજની કુંડમાં બાળ હનુમાને સ્નાન કરી કૂદકો મારી અંજની પર્વત ઉપર ચડીને સૂર્યને ફળ સમજીને ગ્રહી લીધો હતો એમ પણ માનવામાં આવે છે. આ ભૂમિ ઉપર જ હનુમાનજીએ શનિદેવને વશમાં કર્યા હતાં. આવા અંજની પર્વતની તળેટીમાં અંજન કુંડ ગામ વસેલ છે.
અંજની પર્વત ઉપર અનેક પ્રકારની દુર્લભ જડીબુટ્ટીઓ પ્રાપ્ત થાય છે. આ પર્વત ઉપર વનસ્પતિઓનો ભંડાર જોવા મળે છે. અંજની પર્વત ઉપરથી 300 ફૂટ નીચે ધોધ પડે છે. જે ચોમાસામાં ખૂબ જ મનમોહક દ્રશ્યો સર્જે છે. આ ધોધ નીચે ભીંજાવા માટે પ્રવાસીઓની ભીડ જામતી હોય છે. આ ધોધ ઉપર જવા માટે અંજન કુંડ ગામથી એક કિલોમીટર ચાલીને અંજન પર્વત ઉપર જવું પડે છે. અંજન પર્વત વચ્ચોવચ આવેલ ગુફાથી આ વરસતા ધોધનાં ઝરમરિયા દ્રશ્યો જોઈ શકાય છે. આ વર્ષે વરસાદ પણ સારો પડ્યો છે એટલે જળધોધનો જથ્થો પણ ડુંગરો પરથી આવતાં પાણીને કારણે વધ્યો છે ત્યારે સ્થાનિકોને આશા છે કે પ્રવાસની સીઝનમાં લૉકડાઉનનો ઘસારો પડ્યાં પથી હવે બહાર ફરવા નીકળનાર નજીકના વિસ્તારોના લોકો આ સુંદર જળ ઘોઘના પ્રવાસે આવશે.