- ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ
- કોરોનાના સંક્રમણને અટકાવવા 3 અઠવાડિયાથી 4 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
- કોરોનાના પોઝિટિવ દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા
ડાંગઃઆહવા ખાતે જિલ્લાની તમામ મુખ્ય ઓફિસો આવેલી છે તેમજ અહીં મોટી સંખ્યામાં બજારમાં લોકો ઉમટી પડતા હોય છે. અંતરિયાળ વિસ્તારના લોકોની અહીં અવર-જવર રહેતા આહવામાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ભય રહેલો છે. જેને લઈ ગામના સરપંચ તેમજ વેપારીઓ દ્વારા તંત્ર જોડે મીટીંગ યોજી લોકોને સ્વૈચ્છિક લોકડાઉનનો પાલન કરવા અનુરોધ કર્યો હતો. જેના પરિણામે આહવામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃગિરિમથક સાપુતારામાં નાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન
સોમવારથી ગુરુવાર 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવી
ડાંગના આહવામાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થતા આહવા ગામના સરપંચ સાથે આહવા અને વઘઇ વેપારી એસોસિએશનના વેપારીઓએ ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સાથે મળીને વહીવટી તંત્ર જોડે મીટીંગ યોજી હતી. જેમાં સોમવારથી ગુરુવાર 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવી, ત્યારબાદ અન્ય દિવસોમાં સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લામાં છેલ્લા 3 અઠવાડિયાથી 4 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે.
આહવામાં 3 આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યા
કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતા આહવામાં 3 આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે. સેવાધામ, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તેમજ સમાજ કલ્યાણ સંચાલિત સરકારી હોસ્ટેલમાં આઇસોલેશન સેન્ટર બનાવ્યાં છે. જિલ્લાના કોરોનાના પોઝિટિવ દર્દીઓને આ સેન્ટરમાં રાખવામાં આવે છે. આહવા સરપંચ હરિરામ રતિલાલભાઈ સાવંત જણાવે છે કે, પહેલા કરતા હવે કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે તેમજ હાલ આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.