ડાંગઃ જિલ્લાના આયોજન મંડળની સમીક્ષા બેઠક આહવા ખાતે યોજવામાં આવી હતી. જેમાં રમણલાલ પાટકરે આયોજન મંડળની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, લોકોની જરૂરિયાત મુજબ નાના લોકોના કામો પણ કરવા જોઇએ. અમલીકરણ અધિકારીઓએ પોતાની જવાબદારી સમજીને સમયસર કામો પૂર્ણ થાય તે મુજબનું કામ કરવુ જોઇએ. વિકાસ શાખા દ્વારા વડાપ્રધાનની યોજના હેઠળ બજેટમાંથી ગુજરાત માટે 11 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ ઉપરાંત પ્રભારી મંત્રી પાટકરે આંગણવાડીના વિકાસ કામો, રસ્તાના કામો, જળસંચયના કામો સમયસર પૂર્ણ થાય તે માટે અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આયોજન મંડળના કામોની સમીક્ષા માટે બેઠક વધુમાં તેમણે રોજગારી ક્ષેત્રે પણ જિલ્લાના બેરોજગાર યુવાનોને નોકરી મળી રહે તેવા પ્રયાસ કરવા અંગે જણાવ્યું હતું.
ધારાસભ્ય મંગળ પટેલે જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ યોજના હેઠળ જળસંચયના કામો અંતર્ગત બીજા જિલ્લાઓમાં માટી વેંચાય છે, પરંતુ ડાંગમાં માટી ખરીદનારા કોઇ નથી.
આયોજનના કામોમાં સંસદ સભ્ય, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિકાસના કામોનું આયોજન થાય તે માટે ભાર મુકવામાં આવ્યો હતો. જેથી નિવાસી અધિક કલેક્ટર અને આયોજન અધિકારી ટી.કે.ડામોરે આયોજન અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2020-21 દરમિયાન વિવેકાધીન યોજના હેઠળ સી.સી.રસ્તા, પેવર બ્લોક, નાળાના કામો, મીની પાઇપલાઈન, નાળાના કામો, સ્મશાન ધર, શાળાના ઓરડા વગેરે કામો માટે આહવા તાલુકામાં 201 લાખ, સુબીર તાલુકામાં 231 લાખ અને વધઇ તાલુકા માટે 200 લાખનું આયોજન કરવામાં આવ્યું છે.
આદિજાતિ વિકાસ અંગે કે. જી. ભગોરાએ જણાવ્યું હતું કે, ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ વર્ષ 2017-18 દરમિયાન કુલ 33 કામો માટે 300.95 લાખની ગ્રાન્ટ ફાળવેલી છે. જે પૈકી 103.61 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે વર્ષ 2018-19માં કુલ 181 કામો માટે રૂપિયા 1063.73 લાખની ફાળવેલી ગ્રાન્ટ સામે 603.62 લાખનો ખર્ચ કરી કુલ 153 કામો પૂર્ણ કરાયા છે, જ્યારે 2019-20માં 234 કામો માટે રૂપિયા 1060.09 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેની સામે મળેલી ગ્રાન્ટમાંથી રૂપિયા 920.20 લાખ અને 138 કામો પૂર્ણ થયા છે.