ડાંગ : જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખે જણાવ્યું હતું કે, ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે પોતાના અંગત સ્વાર્થ માટે ભાજપ સાથે કરોડો રૂપિયાની લાલચમાં કાર્યકરો, પાર્ટીની અનુશાસન, તેમજ વફાદારીને ગીરવે મૂકી પાર્ટી સાથે ગદ્દારી કરી છે. જે પાયાના કાર્યકરો સાંખી લેશે નહીં. આગામી શુક્રવારે ત્રણેય તાલુકાના કાર્યકરો, પદાધિકારીઓ આહવા ખાતે સાથે મળી પાર્ટી સાથે ગદ્દારી કરનારા ધારાસભ્યોનો વિરોધ પ્રદર્શન કરી તેમના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવશે.
ડાંગ ધારાસભ્યનાં રાજીનામાંથી કોંગ્રસી કાર્યકરોમાં રોષની લાગણી ફેલાઈ - resignation of Dang MLA
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવા ધારાસભ્યોની ખરીદીનો મોસમ શરુ થઈ છે. ત્યારે ધારાસભ્યની ખરીદીમાં ડાંગ ધારાસભ્ય મંગલભાઈ ગાવીતે ભાજપ પાસેથી કરોડો રૂપિયાની લેતીદેતી અને કોંગ્રેસ પાર્ટી સાથે બગાવત કરી કાર્યકરોની વફાદારીની પણ કદર ન કરતા ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટીમાં રોષ ફેલાયો છે. આગામી દિવસોમાં પાર્ટી સાથે ગદ્દારી કરનારા ધારાસભ્ય વિરૂદ્ધ વિશાળ રેલી કાઢી પૂતળાદહન સાથે વિરોધ નોંધાવવા ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચીમકી આપી છે.
રાજ્યસભાની ચૂંટણીમાં પોતાનો દબદબો કાયમ કરવા ભાજપ આકાશ પાતાળ એક કરી રહી છે. જેમાં કોંગ્રેસનો ગઢ રહેલા ડાંગ જિલ્લામાં કોંગી ધારાસભ્યને પોતાના પક્ષમાં કરતા હવે ડાંગનો રાજકીય માહોલ ગરમ થવા સાથે ઉથલપાથલ થવાની સંભાવનામાં ભાજપમાં પણ હડકંપ મચી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાંગ જિલ્લાનાં વિકાસ માટે વિવિધ વિશેષ ગ્રાંટ ફાળવી હોવા છતાં સતત બે ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઇ આવતાં હવે કોંગ્રેસ પાસેથી પ્રબળ દાવેદાર ન રહેતાં ભાજપે એક તીરથી બે શિકાર કર્યું હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. આવનારા દિવસોમાં કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય મંગળભાઇ ગાવિત સામે વિરોધ પ્રદર્શન કરી તેમની લોકપ્રિયતા વધારે છે કે, ઘટાડે તે આવનાર દિવસોમાં માલુમ પડશે.
ડાંગ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી હરીશભાઈ બચ્છાવે જણાવ્યું હતું કે, ડાંગના ધારાસભ્યએ ભાજપ સાથે મિલીભગત કરી ગરીબ આદિવાસીઓનાં મતનો બગાડ કર્યો છે, અને લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે.જેથી ડાંગની પ્રજા આ વ્યક્તિને માફ નહીં કરે.