ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર, ડાંગ જિલ્લામાં મંગળવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ પડતાં ડાંગના લોકોનું જનજીવન વિકટ પરિસ્થિતિમાં મુકાયું છે.
ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ - ડાંગમાં ખેતી
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત આસપાસના પંથકોમાં સતત ત્રીજા દિવસે પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડતાં સમગ્ર પંથકમાં પાણીની રેલમછેલ ફરી વળતાં ઉનાળાની શરુઆતમાં શીતલહેરનો અહેસાસ થયો છે.
![ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ a](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6552876-793-6552876-1585229379072.jpg)
ગતરોજ આહવા, વઘઇ અને સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. આજે ફરીવાર વાતાવરણમાં અચાનક પલટો આવવાનાં કારણે સાપુતારા સહિત માનમોડી, માળુંગા, નડગચોડ, મુરમબી, કાંચનપાડા સહિતના પંથકોના ગામડાઓમાં વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડતાં ડાંગી ખેડૂતોને પણ નુકસાન થયાની વિગતો જાણવા મળી છે.
એકતરફ ડાંગ જિલ્લાના લોકોનો પીએમ મોદીનાં લોકડાઉનના નિર્ણયને આવકારીને ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યાં છે, બીજી તરફ કમોસમી વરસાદના કારણે ત્રણ દિવસથી કુદરતનો મિજાજ બગડતાં ડાંગના લોકોનું જનજીવન ચિંતિત બન્યું છે.