વઘઇઃ રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં શનિવારે દિવસ અને રાત્રી દરમિયાન વરસાદી માહોલે વિરામ લીધો હતો. સાપુતારા પંથકમાં રવિવારે બપોર સુધી અસહ્ય ગરમી અને બફારાનાં પગલે જનજીવન ત્રસ્ત બન્યું હતું.
રવિવારે બપોર બાદ સાપુતારા સહિત સરહદીય પંથકોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીનાં દ્રશ્યો રેલાયા હતા. સાપુતારા પંથકમાં પડેલા ધોધમાર વરસાદનાં પગલે અંબિકા નદીનો પ્રવાહ તેજ બન્યો હતો. જેમાં કોરોનાની મહામારીમાં ગિરિમથક સાપુતારાનાં જાહેર પ્રવાસન સ્થળો બંધ હોવા છતાં પણ સતત બીજા દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યા હતા.
ગિરિમથક સાપુતારા ખાતે મોટી સંખ્યામાં નાના મોટા વાહનો સાથે પ્રવાસીઓ ઉમટી પડતા પાર્કિંગનાં સ્થળોએ અરાજકતા ઉભી થઇ હતી. ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસી વાહનોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાતા સાપુતારા ઘાટ માર્ગમાં પણ ટ્રાફિક જામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત ડાંગ જિલ્લાનાં અન્ય પ્રવાસન સ્થળોએ શનિવારે અને રવિવારે મહારાષ્ટ્ર સહિત રાજ્યનાં અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા.
ડાંગમાં દિવસે ને દિવસે વધી રહેલી પ્રવાસીઓની ભીડ કોરોનાનાં સંક્રમણની ચિંતા ફેલાવી રહી છે. જેથી ડાંગ કલેકટર એન.કે.ડામોર સંબધિત વિભાગોને યોગ્ય સૂચના આપી પ્રવાસન સ્થળોને બંધ કરાવે તે જરૂરી બની ગયુ છે. ડાંગ ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન આહ્વા, વઘઇ અને સુબીર પંથક વરસાદ વિના કોરાકટ નોંધાયા હતા. જ્યારે સાપુતારા પંથકમાં 26 મિમી એટલે કે, 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.