જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા અને અન્ય પડતર પ્રશ્નો બાબતે બુધવારે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તાલુકા પ્રાથમિક શાળાનાં શિક્ષકોએ ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. ડાંગ જિલ્લામાં તબક્કાવાર જુદા-જુદા તાલુકાઓમાં આ ધરણાં કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તે મુજબ બુધવારે આહવા ખાતે ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ધનજરાવ એસ ભોયેએ જણાવ્યું હતું કે, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં મુખ્ય પાંચ પ્રશ્નો તથા રાજ્ય સંઘનાં પ્રશ્નો બે પ્રશ્નોનો સમાવેશ થાય છે. જેમાં જૂની પેન્શન યોજના તાત્કાલિક શરૂ કરવી અને છઠ્ઠા પગાર પંચની વિસંગતતા દૂર કરી સાતમા પગાર પંચની સંપૂર્ણ અમલવારી કરવી, એ ઉપરાંત દરેક શિક્ષકોને એક સરખું વેતન આપવામાં આવે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકોને હાનિકર્તા બાબતો દૂર કરવામાં આવે વગેરે જેવા પ્રશ્નો ઉકેલવા આ ધરણાં કાર્યક્રમ આયોજન કર્યું છે.
આ ધરણાં કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મુદ્દાઓમાં ઉચ્ચત્તર પગાર ધોરણ, CCC પાસ કર્યા બાદ તુરંત મળવાપાત્ર તારીખ 30/06/2019 પછી મુદ્દત વધારવા, જ્યારે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 ગ્રેડ પે ચાલુ રાખવા વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.