ડાંગઃ ડાંગ જિલ્લામાં શેરડીનુું વાવેતર કરતા ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદી જાહેર કરી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી મળેલી અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
આ અખબારી યાદી મુજબ, રાજ્યના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતો શેરડીના પાકના વાવેતર અને ઉત્પાદન હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે, તેવા હેતુથી રાજ્ય સરકારે તાઃ 31/12/2020 આઈ.ખેડૂત પોર્ટલ(ikhedut portal) ખુલ્લું મુક્યું છે. આ પોર્ટલના માધ્યમથી ડાંગ જિલ્લાના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતો ઓનલાઈન અરજી કરી શેરડી પાકના વાવેતર અને ઉત્પાદન માટેની સહાય મેળવી શકે છે.
આ માટેની ઓનલાઈન અરજીઓ દરેક ગ્રામ પંચાયત કક્ષાની સાથે સાથે ઇન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકાય છે. લાભાર્થી ખેડૂતોએ અરજી કરતી વખતે 7/12 અને 8/A, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, તેમજ બેન્ક પાસબુકની વિગતો વગેરે સાથે રાખવું જરૂરી છે.