- પોલીયો રવિવારની ઉજવણી
- આહવાની સિવિલ હોસ્પિટલ ખાતે પોલિયો રસીકરણનો પ્રારંભ
- નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોરે રસીકરણનો પ્રારંભ કરાવ્યો
- પ્રથમ દિવસે 26 હજાર 565 બાળકોને પોલીયો રસી પીવડાવાઇ
ડાંગ :જિલ્લામાં "પોલીયો રવિવાર"ની ઉજવણી અંતર્ગત ડાંગના નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોરે આહવાની સિવિલ હોસ્પિટલમાં લાભાર્થી બાળકોને પોલીયો રસીના બે ટીપા પીવડાવી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ સહીત જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ડી.સી.ગામીત, સિવિલ સર્જન ડો.રશ્મીકાંત કોકણી, પીમ્પરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીઓ તથા તેમની ટીમ સહીત આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ 219 પોલીયો બુથ ઉભા કરાયા
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વઘઈ તાલુકાના 3, અને સુબીર તાલુકાના 3 મળી કુલ 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર સર્વે આધારિત નોંધાયેલા અંદાજીત 31 હજાર 187 જેટલા 0 થી 5 વર્ષની વયજૂથ ધરાવતા બાળકો સહીત નવા જન્મતા બાળકો (અંદાજીત 12 ટકા) મળી કુલ 36 હજાર 799 બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવવાનો લક્ષ નિર્ધાર કરવામાં આવ્યો હતો. જેમના માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ 219 જેટલા પોલીયો બુથ ઉભા કરવા સાથે 49 જેટલા ટ્રાન્ઝીટ પોઈન્ટ્સ પણ કાર્યરત કરવામાં આવ્યા હતા.