- રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના કેસનો વિરોધ
- AAP કાર્યકરોએ કર્યો વિરોધ
- પોલીસે કરી આપ કાર્યકરોની અટકાયત
ડાંગ: રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના કેસના વિરોધમાં આજે શનિવારે ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા 31 ઓક્ટોબર 2020ના દિવસને 'બળાત્કાર વિરોધી દિન' તરીકે ગણાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પોલીસ દ્વારા AAPના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
AAPના ગુજરાત સરકાર પર પ્રહાર
રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ અંગે AAP દ્વારા ગુજરાત સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યાં હતા અને ગુજરાતની તમામ દીકરીઓને ન્યાય મળે તે માટે 31 ઓકટોબરના દિવસને 'બળાત્કાર વિરોધી દિન' તરીકે ગણાવવાની માગ કરી હતી.
ગત બે વર્ષમાં બની દુષ્કર્મની 2,700 જેટલી ઘટના
રાજ્યમાં ગત બે વર્ષમાં દુષ્કર્મની 2700 જેટલી ઘટનાઓ સામે આવી છે. AAP કાર્યકર્તાઓએ કહ્યું કે, ગાંધી અને સરદારનાં ગુજરાતને નલિયા કાંડનાં નરાધમોનું ગ્રહણ લાગ્યું હોય તેમ ગુજરાત દુષ્કર્મનું હબ બની રહ્યું છે. આમ આદમી પાર્ટી ગુજરાતનાં ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો કે, ગુજરાતની પ્રજાને સી પ્લેનની નહીં પરંતુ નારી સુરક્ષા વાળા 'શી પ્લાન'ની જરૂર છે. સ્ત્રીઓનું શોષણ રાજ્યમાં સામાન્ય થઈ ગયું છે. સામુહિક દુષ્કર્મ અને હત્યા જેવી ઘટનાઓ અવારનવાર બની રહી છે.
'રાજ્ય સરકારને જગાડવા AAP કટિબદ્ધ'
AAPના ગુજરાતનાં ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું કે, રાજ્યમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાને લઈને રાજ્ય સરકારને જગાડવા AAP કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે, દુષ્કર્મની ઘટનાઓ સમાજ માટે કોરોના જેવી ગંભીર મહામારી છે. જે બનાસકાંઠાનાં દિયોદરમાં બની. સાબરકાંઠાનાં હિંમતનગર વિસ્તારમાં બની. જામનગરના ધ્રોલ વિસ્તારમાં બની. છતાં રાજ્ય સરકારનાં પેટનું પાણી પણ હલતું નથી. ગાંધી અને સરદારના ગુજરાત માટે આ ગંભીર બાબત છે તેમ AAP ઉપપ્રમુખે જણાવ્યું હતું.