ડાંગ: જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા સુબીર તાલુકાનાં પિપલદહાડ, શેપુઆંબા, કિરલી, પીપલાઈદેવી, ચીંચવિહીર અને ખાંબલા ગ્રૃપ ગ્રામ પંચાયતનાં તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોનાં કુલ 40 થી 50 ગામડાઓમાં છેલ્લા 5 દિવસમાં રાત્રી દરમિયાન ફક્ત ત્રણ દિવસ માટે વિજળી કાર્યરત હતી. ત્યારબાદ, આ વિસ્તારમાં અંધારપટ છવાયેલો છે.
હાલ ડાંગ જિલ્લામાં વરસાદ ઓછા પ્રમાણમાં વરસી રહ્યો છે. તેમ છતાં લોકોને વારંવાર વિજળી સમસ્યાને કારણે અંધારામાં રહેવાની નોબત ઉભી થઇ છે. વિજળી સમસ્યાને કારણે આ વિસ્તારના લોકોને ઓનલાઇન કામ, પંચાયતના કામ વગેરે માટે દુર આહવા તાલુકામાં જવુ પડતુ હોય છે. વર્ષો પહેલા ડાંગનાં મુખ્ય મથક આહવાથી વિજળી સ્પલાય કરવામાં આવતી હતી. ત્યારબાદ સુબીર તાલુકા મથકે વીજ પાવર સ્ટેશન બનાવવામા આવ્યુ છે. તેમ છતાં લોકોને વિજળી સમસ્યાને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.