ડાંગઃ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ધવલીદોડ ગામે લોકડાઉનની સ્થિતિમાં પાણીની તંગી વર્તતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નદી તળાવ, કુવા સુકાઇ જતા મીની પાઇપલાઇનનાં નળ મારફતે ગામની તમામ વસતીમાં પાણી ભરવા માટે પડાપડી થઇ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ધવલીદોડ ગામે ઉનાળાની ઋતુમાં લોકોને પાણીની તંગી વેઠવાનો વારો આવે છે. ગામ નજીકના નદી, તળાવ, કુવા, ડેમો સુકાઇ જતા લોકો પાણી માટે પોકારી ઊઠ્યા છે. ધવલીદોડ ગામ ઉંપરાત આ ગ્રામ પંચાયતનાં ધુડા ગામની પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે.
સરકારી યોજનાઓ મારફત લોકોને પાણી સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકીઓ બનાવવામાં આવી હતી. પરંતુ જે હવે હાલમાં નઠારી સાબીત થઇ રહી છે. લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો પાણી માટે પોકારી ઊઠ્યા છે. 10 હજાર જેટલી મોટી વસ્તી ધરાવનારા આ ગામમાં માંડ-માંડ મીની પાઇપલાઇન દ્વારા પાણી આવી રહ્યું છે. આ ગામમાં પાણી માટે લોકોની લાંબી લાઇનો લાગવાની સાથે ભીડ જામે છે.