ગુજરાત

gujarat

ETV Bharat / state

સૂપદહાડ ગામના લોકોએ પાણીને રોકવા પાળ બાંધી, હવે ઉનાળામાં કંઇ જ ઉપાધી નહીં...

ડાંગ જિલ્લાને રાજ્યનું ચેરાપુંજી ગણવામાં આવે છે. અહીં ચોમાસાની ઋતુમાં અવિરત વરસાદ વરસે છે. પણ ઉનાળો આવતા જ ચારેકોર પાણીની બુમરાણ મચી જવા પામે છે. મોટાભાગનાં ગામડાઓમાં પાણીની તંગીથી લોકો ઉનાળાની ગરમીમાં ત્રાસી ઉઠે છે. ત્યારે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ સૂપદહાડ ગામે લોકો વહેતા પાણીને અટકાવી તેનો ઉપયોગ કરવાનું સારી રીતે જાણે છે. સૂપદહાડ ગામની આજુબાજુના લોકો પાણી માટે વલખાં મારે છે, ત્યારે આ ગામનાં લોકોને સમયસર પાણી મળી રહે છે.

પાણીનો પોકારઃ ડાંગના સુપદહાડ ગામના લોકો દ્વારા બોરી બંધ બાંધતા ઉનાળામાં પાણી માટે નથી મારવા પડતા વલખા
પાણીનો પોકારઃ ડાંગના સુપદહાડ ગામના લોકો દ્વારા બોરી બંધ બાંધતા ઉનાળામાં પાણી માટે નથી મારવા પડતા વલખા

By

Published : Jun 4, 2020, 4:06 PM IST

ડાંગઃ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ અંબિકા નદીને કિનારે આવેલ સૂપદહાડ ગામે લોકોને ઉનાળામાં પાણી માટે વલખા મારવા પડતા નથી. અહીં સૌ ગ્રામજનો ભેગા મળીને પાણીનો બચાવ કરે છે. અંબિકા નદી કિનારે આવેલા આ ગામમાં ચોમાસાની ઋતુ દરમિયાન પૂરની સ્થિતિ સર્જાઇ છે. ગામ નજીક ત્રણ ડેમો આવેલા છે. પણ જેમ-જેમ ઉનાળો આવે છે તેમ નદીનું પાણી સુકાતું જાય છે. નદીનું પાણી વહી જવાનાં લીધે ગ્રામજનોને ઉનાળાની ઋતુમાં પાણીની તકલીફો પડવા લાગી હતી. ત્યારે પાણીની સમસ્યા હલ કરવા માટે ગામનાં સરપંચ ગામનાં આગેવાનો સાથે મળીને મીટીંગ બોલાવી જેમાં સૌ લોકોએ નિર્ણય કર્યો કે પાણીને વહી જતું અટકાવવું છે. જેના પાણીની તકલીફો દૂર થઈ શકે.

પાણીનો પોકારઃ ડાંગના સુપદહાડ ગામના લોકો દ્વારા બોરી બંધ બાંધતા ઉનાળામાં પાણી માટે નથી મારવા પડતા વલખા

શિયાળાની ૠતુના અંતમાં ગ્રામલોકો ત્રણે ડેમો ઉપર બોરી બંધ બાંધે છે. ડેમની ઉંચાઈ વધતાં લાંબા ગાળે પાણી સંગ્રહિત રહી શકે છે. વાસમો યોજના અંતર્ગત ડેમ નજીક કૂવો બાંધવામાં આવેલો છે. જેમાં ડેમનું સંગ્રહિત પાણી ફિલ્ટર થઈને કૂવામાં જાય છે. આ પાણી ગામની મુખ્ય ટાંકીમાં ઠાલવામાં આવે છે અને ગ્રામજનોને રોજ સવાર સાંજ પાણી આપવામાં આવે છે. ડેમમાં સંગ્રહિત પાણીમાં, માછલાં પકડવાની પ્રવૃત્તિ, કપડાં ધોવું, વગેરે ગામ લોકોએ જ પ્રતિબંધ મૂક્યો છે. જેના લીધે પાણી ચોખ્ખું રહી શકે અને લોકો તે પાણીને પીવામાં ઉપયોગ કરી શકે.

સૂપદહાડ ગામમાં મોટાભાગના લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે, ત્યારે આ ગામનાં દૂધ મંડળીના પ્રમુખ લતાબેન પાડુંભાઈ ગાવીત જણાવે છે કે, વર્ષો પહેલાં પાણીની ઘણી તકલીફો હતી, લોકોને દૂર સુધી પાણી લેવા જવું પડતું હતું. પણ હવે રોજ ટાઈમસર પાણી મળી રહે છે જેના કારણે ઘરનું કામકાજ કરવામાં તકલીફો નથી પડતી સાથે જ ગાયો માટે પૂરતું પાણી મળી રહેતાં દૂધનો વ્યવસાય સારો ચાલે છે. ગામની જ અન્ય એક ગૃહિણી આશાબેન જણાવે છે કે, પહેલાં દૂર નદીએ પાણી લેવા જવું પડતું હતું. પણ હાલમાં ઘરે-ઘરે કનેક્શન થવાથી રોજ પાણી મળી રહે છે અને ઘરનું કામકાજ પણ વ્યવસ્થિત થઈ શકે છે.

સૂપદહાડ ગામમાં આશરે 300થી વધુ ઘરો આવેલા છે, જ્યારે આ ગામમાં 1500થી વધુ લોકોની વસ્તી છે. નદી કિનારે આ ગામ આવેલું હોવા છતાં અહીં પાણીની તકલીફો પડતી હતી. ત્યારે ગામનાં સરપંચ ભિવાભાઈ ગંગાભાઈ ગાવીત જણાવે છે કે, બે ઋતુઓ દરમિયાન પાણીની ખાસ તકલીફો હતી નહીં પણ જેમ ઉનાળો આવે તેમ એપ્રિલ અને મેં મહિનામાં પાણીની તંગી સર્જવા લાગતી હતી. ત્યારે વહેતુ પાણી અટકાવવા ડેમ ઉપર બોરી બંધ બાંધીને પાણીને અટકાવવા આવતું હતું. જે પાણી કુવા મારફત દરેકના ઘરે નળ મારફત પાણી મળી રહેતું હતું.

આ ગામનાં આગેવાન છગનભાઈ તથા સરપંચ અને સભ્યોનું કહેવું છે કે, અંબિકા નદીનાં ઉપરવાસમાં હુંબાપાડા ગામે અથવા માળુંગા ગામે જો મોટો ડેમ બાંધવામાં આવે તો નીચેના વિસ્તારમાં આવતાં 50 કિલોમીટર સુધીનાં ગામડાઓમાં પાણીની તકલીફો દૂર થઈ શકે છે. નજીકનાં અન્ય ગામો તેમજ ગામમાં લાંબે ગાળે પાણી સંગ્રહિત ના રહેતાં આ બાબતે સરકાર ધ્યાન આપે એવી ગ્રામજનોની માગ છે.

ABOUT THE AUTHOR

...view details