ડાંગ: જિલ્લાની આહવા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ સામે મુકાયેલ અવિશ્વાસની દરખાસ્ત બાબતે તલાટીકમ મંત્રી દ્વારા અગામી 23મી જુલાઈનાં રોજ બેઠક બોલાવવાની તજવીજ હાથ ધરતા પંચાયત વર્તુળનાં રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે આવેલી ગ્રામ પંચાયત આહવામાં મહિલા સરપંચ તરીકે રેખાબેન પટેલ ચૂંટાઈ આવ્યા છે, આહવા ગ્રામ પંચાયતમાં કુલ 18 સભ્યોનું સંખ્યાબળ જોવા મળે છે.
તેવામાં આહવા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ દ્વારા વિકાસકીય કામોમાં ભારે ગેરરિતી આચરતા તેમજ મહિલા સરપંચનાં પતિ દ્વારા સમગ્ર ગ્રામ પંચાયતનાં વહીવટમાં દખલગીરી કરાતા આ મનસ્વી વહીવટથી વાજ આવેલા કુલ 18માંથી 13 સભ્યોએ એકજુથ બની થોડા દિવસ પૂર્વે આ મહિલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકતા પંચાયત વર્તુળમાં દોડધામની સાથે હડકંપ મચી ગયો હતો. આહવા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ સામે અગાઉ પણ એકવખત સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી પરંતુ પ્રથમ વખતે મુકાયેલા અવિશ્વાસની દરખાસ્તમાં ડાંગ જિલ્લાનાં ભાજપાનાં દિગજો મધ્યસ્થી બનતા આ અવિશ્વાસની દરખાસ્ત ટળી હતી.
તેવામાં આહવા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ સામે હાલમાં બીજી વખત અવિશ્વાસની દરખાસ્ત મૂકાતા મહિલા સરપંચની ખુરસી સામે પ્રશ્નાર્થ મુકાયો છે.