- સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં પ્રવાસીઓનુ ઘોડાપુર
- કુદરતી સૌંદર્યને મનભરીને માણતા પર્યટકો
- 'સાવચેતી એ જ સલામતી' ના સંદેશ સાથે જિલ્લા વહીવટી તંત્રની પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર
- જોવા લાયક સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યા
ડાંગ : અનેક નાનામોટા જળધોધ સાથે ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતા 'ગીરા ધોધ' સહિત ગુજરાતના સૌથી ઊંચા 'ગિરમાળ ધોધ' અને માયાદેવી, શબરિધામ, પમ્પા સરોવર, તુલસીગઢ, કલંબડુંગર, ડોન, મહાલ-કિલાદ અને દેવીનામાળ કેમ્પ સાઇટ, વાંસદા નેશનલ પાર્ક, બોટનિકલ ગાર્ડન તથા 'પહાડો કી રાની : સાપુતારા' ખાતે પ્રવાસી પંખીઓની જેમ પ્રવાસી પરિવારોના ઝુંડે ઝુંડ ઉમટી પડતા હોય છે. ત્યારે ઘણીવાર પ્રવાસના આનંદ સાથે અહીં ક્યારેક અનિચ્છનીય ઘટનાઓ પણ બની જતી હોય છે.
પ્રવાસીઓને નિયમોનું પાલન કરવા તંત્રની અપીલ
ભૂતકાળના કેટલાક કમનસીબ બનાવોને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ કેટલાક પ્રતિબંધાત્મક આદેશ સાથે પ્રવાસીઓને અહીંની પ્રકૃતિને માણવાની મંજૂરી આપવામાં આવી છે. જેનુ સૌ પ્રવાસીઓ પાલન કરે તે માટે ડાંગ જિલ્લા વહીવટી તંત્રે અપીલ કરી છે.
જોખમી સેલ્ફી ન લેવા માટે પોલીસની અપીલ
જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા ડાંગની મુલાકાતે આવતા પ્રવાસીઓને જોખમી રીતે વાહન હંકારવા સહિત આડેધડ વાહનો પાર્ક કરવા બાબતે વિશેષ જાગૃતિ દાખવવાની હિમાયત કરી છે. તો ઘાટમાર્ગો પર ગતિ મર્યાદા જાળવવા અને ખોટી રીતે ઓવરટેક કરવાના પ્રયાસો ન કરવાની અપીલ કરી છે. ગમે ત્યાં જાહેર ટ્રાફિકને અડચણ થાય તે રીતે વાહનો ઉભા રાખીને જોખમી રીતે ફોટોગ્રાફી કે સેલ્ફી લેતા પરિવારો ધણીવાર અકસ્માતનો ભોગ બને છે. જેથી ફરીવાર ડાંગમાં આવા કોઈ કમનસીબ બનાવો ન બને તે માટે પ્રવાસીઓને સભાનપણે તેમનો પ્રવાસ કરવા અને ડાંગ જિલ્લાનો તેમનો પ્રવાસ તેમના માટે જીવનભરનુ સુખદ સંભારણુ બની રહે તે માટે પણ પ્રવાસીઓને અનુરોધ કર્યો છે.