ડાંગઃ જિલ્લા, રાજ્ય કે દેશ બહારથી આવીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ કે અસામાજિક તત્વો રહેણાંક વિસ્તારોમાં મકાન, દુકાન, ઑફિસ કે ધંધાકીય એકમો ભાડે રાખી, ગુપ્ત આશરો મેળવતા હોય છે. આ બાબતે કોઈપણ પ્રકારે અસામાજિક તત્વો ગુનાહિત કૃત્ય કરી જાહેર માલ મિલકત અને જાહેર જનજીવનને નુકસાન પહોંચાડી શકે તેવી શક્યતાઓ નકારી શકાઈ નહીં.
મિલકતો ભાડે આપનારા માલિકે પુરાવા રજૂ કરવા પડશે, જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું - નવું જાહેરનામું
ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં મકાન, દુકાન કે અન્ય સંપતિ ભાડે રાખનાર ભાડૂઆત તેમજ તેમના માલિકે ઓળખના પુરાવા સંબધિત પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાના રહેશે.
આ ગંભીર બાબતને ધ્યાને લેતા ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ટી.કે.ડામોરે એક જાહેરનામુ જાહેર કર્યું છે. સમગ્ર ડાંગ જિલ્લાના હદ વિસ્તારમાં મકાન, દુકાન, ઑફિસ, કે ઔદ્યોગિક એકમો ભાડે આપતા માલિકો તથા ભાડે રહેતી વ્યક્તિઓએ તેમની ઓળખ અંગેનું પૂરું નામ, સરનામું, તેમજ અન્ય દસ્તાવેજો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે.
આ અંગે સંબંધિત જિલ્લાના પોલીસ સ્ટેશનો રજીસ્ટર નિભાવી સમગ્ર વિગતો ફરજિયાતપણે નોંધશે. આ હુકમ સમગ્ર ડાંગ જિલ્લાના મહેસુલી વિસ્તાર સહિત ગિરિમથક સાપુતારાના નોટીફાઇડ વિસ્તારમાં પણ લાગુ પડશે.