નોવેલ કોરોના વાઇરસ COVID-19ની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય. તે હેતુસર રાજ્યમાં “ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન–2020” લાગુ કરવામાં આવેલા છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાઇરસ COVID-19 ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરેલી છે.
ભારત સરકારના 15 એપ્રિલના જાહેરનામા સાથેના સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજરનું પાલન કરવાની શરતે અમુક ઉદ્યોગો/ એકમોને પરવાનગી આપેલી હતી. અત્રેથી જાહેરનામા ક્રમાંક: એમએજી/COVID-19/જાહેરનામું/વશી/1313 થી 1348/2020, 19 એપ્રિલથી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ખરીદવા બાબતે દુકાનો ખોલવા અંગે સૂચનાઓ પ્રસિદ્ઘ કરેલી હતી.
ગૃહ વિભાગ, ગાંધીનગરના વેચાણના ઠરાવથી નાના-મોટા દુકાનદારો, ધંધા વ્યવસાયકારોની દુકાનો ચાલુ રાખવા પરવાનગી આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે. સરકારની સૂચનાઓ મુજબ ડાંગ જિલ્લામાં પણ આવા નાના-મોટા દુકાનદારો, ધંધા વ્યવસાયકારોની દુકાન ચાલુ રાખવા પરવાનગી આપવાની જરૂરિયાતને લક્ષમાં લઇને ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.ડામોરે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા 26 એપ્રિલથી 3મેના 24 કલાક સુધી ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા તથા અન્ય દુકાનો ખોલવા અગાઉની તમામ સૂચનાઓ આથી રદ કરી સમગ્ર ડાંગ જિલ્લાના વિસ્તારમાં લોકડાઉનમાં નીચે મુજબના દુકાનદારો/ધંધાદારીઓને તેઓની દુકાન/ સ્ટોર કેટલીક શરતોને આધિન 26 એપ્રિલથી ચાલુ રાખવા પરવાનગી આપવામાં આવે છે.
તદ્અનુસાર, નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારમાં આવેલા તમામ દુકાનો કે જે શોપ અને એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલા હોય તે તેઓના કુલ કર્મચારી/ કામદારોના 50% કર્મચારી/ કામદારો સાથે ચાલુ રાખી શકશે. આ વિસ્તારમાં માર્કેટ કોમ્પલેક્ષ, મલ્ટી બ્રાન્ડ અને સીંગલ બ્રાન્ડ મોલમાં આવેલા દુકાનો ચાલુ રાખી શકાશે નહીં.
નગરપાલિકા વિસ્તારમાં આવેલા દુકાનો પૈકી માર્કેટ કોમ્પલેક્ષ, મલ્ટી બ્રાન્ડ અને સીંગલ બ્રાન્ડ મોલમાં આવેલી દુકાનો સિવાયની તમામ દુકાનો કે જે શોપ અને એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલા હોય તે તેઓના કુલ કર્મચારી/કામદારોના 50% કર્મચારી/કામદારો સાથે ચાલુ રાખી શકશે.
આ જાહેરનામામાં કરાયેલી સ્પષ્ટતા મુજબ ઈ-કોમર્સ કંપનીઓ ફક્ત આવશ્યક ચીજવસ્તુઓનું જ વેચાણ કરી શકશે. તમાકુ, પાન-ગુટખા, સિગારેટ વગેરે કેફી પદાર્થોના વેચાણ કરતા એકમો બંધ રહેશે. હેર કટીંગ સલુન/વાળંદની દુકાનો, સ્પા, ચાની દુકાન (ટી-સ્ટોલ), ફરસાણ, ખાણી-પીણીની દુકાનો, રેસ્ટોરન્ટ અને હોટલો બંધ રહેશે તેમજ જિલ્લાના જે કોઈપણ વિસ્તારને “કન્ટેઈનમેન્ટ એરીયા” તરીકે જાહેર કરવામાં આવેલો હશે તેમાં કોઈપણ પ્રકારની દુકાનો ચાલુ રાખી શકાશે નહીં.
તેવી જ રીતે આ જાહેરનામાં દર્શાવેલી શરતો મુજબ દરેક એકમો/દુકાનદારોએ સરકારની કોવિડ-19ની સૂચનાઓનો ચુસ્ત અમલ કરવાનો રહેશે. એકમો/દુકાનદારોએ કચેરીઓ અને કાર્યસ્થળોમાં સોશિયલ ડીસ્ટન્સ માટે તમામ વ્યવસ્થાઓ જાળવવાની રહેશે.
જાહેર સ્થળો અને કામના સ્થળોએ દરેકે માસ્ક પહેરવો / ચહેરો ઢાંકવો ફરજીયાત રહેશે. દરેક કર્મચારી/કામદારોને હેન્ડ વોશ, સેનીટાઈઝર, માસ્ક, ગ્લોવ્સ વિગેરે પૂરા પાડવાના રહેશે. દરેક એકમો/દુકાનદારોએ કામકાજના સ્થળોને સેનીટાઈઝ કરવાના રહેશે અને કોમન એરીયાને વારંવાર સાફ કરવાનો રહેશે. જ્યારે જે તે જિલ્લા સક્ષમ અધિકારી દ્વારા કન્ટેઈમેન્ટ ઝોન તરીકે જાહેર કરેલા વિસ્તારમાંથી કર્મચારી/ કામદારો આવી શકશે નહીં.