ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગની આહવા ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ - Aahva Panchayat sarpanch corruption

ડાંગ જિલ્લાના આહવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિત અન્ય 6 સભ્યોએ પંચાયતના બાંકડા ખરીદી અને સ્ટ્રીટલાઈટ ખરીદવા માટે થયેલી ગેરરિતી બાબતે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી કરી તપાસની માંગણી કરી છે. આ બાંકડા ખરીદી બાબતે મહિલા સરપંચ અને તેમના પતિએ પોતાની મનમાની ચલાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આરોપ પણ મુક્યા છે.

ડાંગની આહવા ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
ડાંગની આહવા ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

By

Published : Jul 17, 2020, 10:20 PM IST

ડાંગ: મુખ્ય મથક આહવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિત અન્ય 6 સભ્યોએ ગ્રામ પંચાયતના બાંકડા ખરીદી અને સ્ટ્રીટલાઈટ ખરીદી બાબતે મહિલા સરપંચ અને તેમના પતિ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે. તેમજ આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને લેખીતમાં અરજી કરી તપાસની માંગણી કરી છે.

ડાંગની આહવા ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
ડાંગની આહવા ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

આ અગાઉ પણ ઉપસરપંચ સહિત સભ્યો દ્વારા બાંકડા ખરીદીની તપાસ બાબતે આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી આહવાને અરજી કરવામાં આવી હતી.પરંતુ આહવા તાલુકા પંચાયત કક્ષાએથી કોઈપણ કાર્યવાહી કરવામાં ન આવતા શંકાનાં વમળો ઘેરાવા પામ્યા છે.

ઉપસરપંચ હરિરામભાઈ સાંવત સહિત સભ્યોએ દાવો કર્યો છે કે બાંકડા અને સ્ટ્રીટલાઈટ ખરીદીનું પેમેન્ટ ચૂકવવા માટે તાલુકા પંચાયત કચેરી આહવા ખાતે તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં મહિલા સરપંચના પતિ દ્વારા આ પ્રકરણમાં તાલુકા પંચાયતના નીતિનિયમોને નેવે મૂકી વગર ટેન્ડરે મનસ્વી રીતે ખરીદી કરવામાં આવી છે તેમજ આ બાંકડાઓનાં ફોટોગ્રાફ અને એરિયાવાઇઝ બાંકડાની યાદી બનાવી રાજકીય કાવાદાવા રચી પેમેન્ટ મેળવવા માટેની ફાઇલ ઉભી કરવામાં આવી રહી હોવાનો આરોપ પણ લગાવ્યો છે.

આ બાબતે ગત 1 જુલાઇએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી,પરંતુ તાલુકા વિકાસ અધિકારી આહવા દ્વારા પંચાયતના સભ્યોને તપાસનો અહેવાલ આપવામાં આવ્યો નથી.

આ બાંકડા અને સ્ટ્રીટ લાઈટ ખરીદીનું પેમેન્ટ જો તાલુકા પંચાયત દ્વારા ચૂકવવામાં આવશે તો જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની અરજદારો દ્વારા ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ આહવા ગ્રામ પંચાયતના આ વિવાદાસ્પદ મહિલા સરપંચ સામે ઉપસરપંચ સહિત ગ્રામ પંચાયતના અન્ય 12 સભ્યોએ મહિલા સરપંચના મનસ્વી વહીવટ અને તેમના પતિ દ્વારા પંચાયતનો સમગ્ર કારોભાર ચાલતો હોવાના આરોપ સાથે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેનું હજી સુધી કોઈ નિરાકરણ આવ્યુ નથી.

ટૂંક સમયમાં જ વિધાનસભાની પેટાચૂંટણી આવતી હોવાથી સત્તા અને દાવપેચની લડાઈમાં ભાજપા સમર્પિત અને સૌથી વધુ મતો ધરાવતી આહવા ગ્રામ પંચાયતમાં ભાજપા પક્ષને મોટો ફટકો પડવાની વકી સર્જાઈ ચુકી છે.

ABOUT THE AUTHOR

...view details