ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ અને દક્ષિણ વનવિભાગ હસ્તકની ચિખલી રેન્જમાં લાગુ મહારાઈચોંડ ગામના બે આદિવાસી ઈસમોમાં 50 વર્ષીય કાળુભાઈ ગાવિત તેમજ 40 વર્ષીય મહેશભાઈ સયાજીભાઈ મહાલા જે બંને ગુરુવારે 6:30 વાગ્યાના અરસામાં જ કોઈક ખેડૂતના માલિકીના ઝાડો કાપવા માટે જંગલ વિસ્તારમાં આવેલા ખેતરમાં જઈ રહ્યા હતા. જે દરમિયાન મહારાઈચોંડ ગામના પાદરે આવેલા ફોરેસ્ટ ચેકિંગ નાકા વિસ્તારના જંગલના પગદંડી માર્ગમાં અચાનક ખૂંખાર દીપડો નીકળી આવ્યો હતો અને માર્ગમાં આ બન્ને ઈસમો તથા ખૂંખાર દીપડાનો સામે ભેટો થઇ જતાં ઘટનાસ્થળે આ બંને ઈસમોમાં કાળુભાઈ ગાવિત તેમજ મહેશભાઈ મહાલા ઉપર તૂટી પડી જાનલેવા હુમલો કરી તેમના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ ઘટના સ્થળેથી આ બન્ને ઇજાગ્રસ્ત ઈસમોએ પોતાનો જીવ બચાવી ગામમાં આવ્યા હતા. જે બાદ પંથકમાં ભયનો માહોલ ઉભો થવાની ચકચાર મચી ગયો હતો. દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આ બે ઇસમોનો જીવ બચી જતા તેઓને તાત્કાલિક સારવારના અર્થે નજીકની શામગહાન સી.એચ.સી. ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.