ડાંગઃ દક્ષિણ વન વિભાગ હસ્તકની શામગહાન રેંજમાં સમાવિષ્ટ નિમ્બરપાડા પંથકમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. છેલ્લા કેટલાંક દિવસોથી ખૂંખાર દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે.
જિલ્લાના નિમ્બરપાડા સહિત નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના આતંકને લીધે લોકો પણ ભયભીત થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બે ખૂંખાર દીપડાએ ધોળે દિવસે ગામ નજીકના જંગલ વિસ્તારમાં દહાડ કરતા નજરે ચડ્યા હતા. જે રાત્રીના અરસામાં ખોરાકની શોધમાં આમતેમ ભટકીને તેઓને ખોરાક ન મળતા ગામ તરફ વળીને લોકોનાં ઘરમાં ઘુસીને પાલતુ બકરા તેમજ મરઘાનો શિકાર કરી જતા હોય છે.
નિમ્બરપાડા ગામની સીમના જંગલ વિસ્તારમાં પણ પાલતુ પશુઓને ચરાવવા ગયેલ ગામના ગોવાળિયાઓ પાસેથી અળગા પડી ગયેલા વાછરડા પર દીપડાએ હુમલો કરીને તેનું મારણ કરતા અહીંના પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વાછરડાના માલિક ગંગારામભાઈના જણાવ્યા મુજબ બે-ત્રણ દિવસ પૂર્વે તેમનું વાછરડું ખોવાઈ ગયું હતું. જેની શોધખોળ કરતાં વાછરડું ખૂંખાર દિપડા દ્વારા મારણ કરાયેલી હાલતમાં અન્ય ખેડૂતના ખેતરમાંથી મળી આવ્યું હતું.
નિમ્બરપાડા ગામે દીપડાએ વાછરડાનું મારણ કર્યું અગાઉ પણ આ વિસ્તારમાં દીપડા અને દીપડીની જુગલજોડી બે બળદનું મારણ કરી આતંક મચાવ્યો હતો. તેવામાં લોકો અને પાલતુ પશુઓને સુરક્ષાને ધ્યાનમાં રાખીને શામગાહાન રેંજ વનવિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.
આ બાબતે સામગાન રેંજનાના રાઉન્ડ ફોરેસ્ટર સુરેશભાઈ વાઘ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, નિમ્બરપાડા ગામે વાછરડાંના મારણ અંગેની જાણ મને થઈ છે. ટૂંક સમયમાં સ્થળ તપાસ કરી પશુપાલકને યોગ્ય વળતર ચૂકવવાની તજવીજ હાથ ધરાશે.