- સુબીર તાલુકામાં પ્રાથમિક જરૂરિયાતોનો અભાવ
- ચૂંટણી ટાણે નેતાઓના ફક્ત વાયદાઓ, કામ ઝીરો
- 40% લોકો રોજીરોટી માટે 6 મહિના સ્થળાંતર કરવા મજબૂર
ડાંગ : જિલ્લાનાં નવ રચિત સુબીર તાલુકામાં વિકાસ ફક્ત કાગળ ઉપર જ હોય તેવું સાફ જણાઈ આવે છે. શહેર કે ગ્રામ્ય લેવલે જ્યાં ગ્રામ પંચાયતમાં સ્ટ્રીટ લાઈટ હોય ત્યારે અહીં સુબીર ગામમાં એકપણ સ્ટ્રીટ લાઈટ જોવા મળતી નથી. જ્યારે સુબીર ગામની મુખ્ય ચોકડીઓ જર્જરિત હાલતમાં બસ સ્ટેન્ડ અને ધૂળ ખાતાં જાહેર શૌચાલય નજરે ચડે છે.
સુબીરમાં વિકાસ ફક્ત કાગળ ઉપર
સુબીર ગામના રિટાયર્ડ PSI રતિલાલભાઈ કાગડેએ જણાવ્યું કે, સુબીર ગામનો વિકાસ ફક્ત કાગળ ઉપર જ છે. અહીં મુખ્ય ચાર રસ્તાઓ જર્જરિત હાલતમાં બસસ્ટેન્ડ, જાહેર શૌચાલય અને લોકોને બેસવા માટેનાં બાંકડા પણ નથી. કોંગ્રેસ હોય કે ભાજપ બન્ને પાર્ટીનાં નેતાઓ ચૂંટણી ટાણે વિકાસની વાતો કરે છે પણ વિકાસ કાંઈ દેખાતો નથી. સ્થાનિક લોકોને ખેતી ક્ષેત્રે પ્રગતિ થાય તે માટે પાણી ઉપલબ્ધ કરાવવું જરૂરી છે. પાણી સંગ્રહિત ડેમ બનાવવા જરૂરી છે જેથી લોકો પિયતની ખેતી કરી શકે. ખેડૂતો માટે બજાર વ્યવસ્થા પણ અહીં રાખવામાં આવેલ નથી તો ખેડૂતોની આવક બમણી કઈ રીતના થઈ શકે.
ગ્રામ લેવલે પશુપાલનનો વ્યવસાય વિકસિત કરવા માટે પાણીની વ્યવસ્થા જરૂરી
રાજ્યની ભાજપ સરકાર વિકાસના બગણા ફૂંકતી હોય છે કે, ડાંગ જિલ્લાનો વિકાસ થયો છે. પરંતુ હકીકતમાં આજે પણ ડાંગ જિલ્લાનાં 40% લોકો મજૂરી કામ માટે 6 મહિના સ્થળાંતર કરતાં હોય છે. પીપલાઈ દેવી ગામનાં મોતીરામ બરડેએ જણાવ્યું કે, તેઓ નાનપણથી મજૂરી કામે જાય છે. કારણ સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો નથી. મુખ્યપ્રધાન જયારે ડાંગ આવ્યાં હતાં ત્યારે તેઓએ કહ્યું હતું કે, અહીં પશુપાલનને વેગ આપવાની જરૂરત છે. પરંતુ પાણીની સુવિધાઓ ન હોવાના કારણે લોકો પશુપાલનનો વ્યવસાય વિકસાવી નથી શકતા, ડાંગ જિલ્લામાં વિકાસ દેખાય છે જેમાં ફક્ત મુખ્ય રસ્તાઓ પાકા બની ગયાં છે. પરંતુ લોકોની પ્રાથમિક જરૂરિયાત અને રોજીરોટી માટે વિકાસ ફક્ત કાગળ ઉપર જ કર્યો છે.