ગુજરાત

gujarat

ETV Bharat / state

White Musli : સફેદ મુસળીનું મોટે પાયે વાવેતર કરી ક્લસ્ટર કલ્ટીવેશન ફેસીલીટેટર તરીકે ડાંગનો ડંકો વગાડતા જયેશ મોકાશી - હસિક ખેડુત જયેશભાઈ મોકાશી

સફેદ મુસળીનું મોટે પાયે વાવેતર કરાવતા ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ દ્વારા ડાંગ સહિત આસપાસના જિલ્લાઓના ખેડૂતોને પણ લાભાંવિત કર્યા છે. સફેદ મુસળીના વાવેતર, ઉત્પાદનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા જયેશ મોકશીને અનેક પારિતોષિકો મળી ચુક્યા છે. ડાંગ જિલ્લાના જુદા જુદા ખેડૂતોના 24.80 હેકટર વિસ્તારમાં સફેદ મુસળીના ૭૫ હજાર કંદનું વાવેતર અને ઉત્પાદન કરાવ્યુ.

White Musli : સફેદ મુસળીનું મોટે પાયે વાવેતર કરી ક્લસ્ટર કલ્ટીવેશન ફેસીલીટેટર તરીકે ડાંગનો ડંકો વગાડતા જયેશ મોકાશી
White Musli : સફેદ મુસળીનું મોટે પાયે વાવેતર કરી ક્લસ્ટર કલ્ટીવેશન ફેસીલીટેટર તરીકે ડાંગનો ડંકો વગાડતા જયેશ મોકાશી

By

Published : Apr 1, 2023, 5:29 PM IST

White Musli : સફેદ મુસળીનું મોટે પાયે વાવેતર કરી ક્લસ્ટર કલ્ટીવેશન ફેસીલીટેટર તરીકે ડાંગનો ડંકો વગાડતા જયેશ મોકાશી

ડાંગ :પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લાની આબોહવામાં થતા અતિકિમતી ઔષધિય પાક એવા ‘સફેદ મુસળી’ ના સામૂહિક વાવેતર અને ઉત્પાદન માટે ભવાડી ગામના સાહસિક ખેડુત જયેશભાઈ મોકાશીએ ડાંગનો ડંકો વગાડ્યો છે. ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડની ‘નેશનલ આયુષ મિશન’ યોજના અંતર્ગત ફક્ત સ્વયં લાભ લીધો, પરંતુ ડાંગ સહિત આસપાસના જિલ્લાઓના હજારો ખેડૂતોને પણ આ યોજનાનો લાભ અપાવ્યો છે. અનેક ઈનામ-અકરામ પોતાને નામે અંકિત કર્યા છે.

‘સફેદ મુસળી’ નું વાવેતર : એક સામાન્ય ખેત મજૂર તરીકે પોતાની આજીવીકા પૂરતી ખેતીની જમીનમાં સહપરિવાર પ્રસ્વેદ સિંચતા આ મહેનતકશ ખેડૂતને ‘વન અધિકાર અધિનિયમ’ હેઠળ, રાજ્ય સરકારે અંદાજીત રૂપિયા નવેક લાખની કિમતની 1.44 હેકટર જેટલી જમીનના માલિક બનાવતા, આ ખેડૂતે નવા જોમ અને જુસ્સા સાથે, પોતાના ચાર સંતાનો અને પત્ની સામે સામૂહિક ખેતી કરી આર્થિક પ્રગતિના દ્વારે ટકોરા માર્યા. રાત દિવસની કાળી મજૂરી કરતા આ પરિવારે ડાંગ જિલ્લાના જળ, વાયુ, અને જમીન જેને ખૂબ જ માફક આવી રહ્યા છે. તેવા ઔષધિય પાક ‘સફેદ મુસળી’ ના વાવેતર અને ઉત્પાદન તરફ સાહસિક કદમ ઉઠાવી, ન પોતે સફળ થયા, પરંતુ આસપાસના તાપી, નવસારી, વલસાડ જેવા વિસ્તારના હજારો ખેડૂતોને પણ ‘સફેદ મુસળી’ માં જોતરી સૌને સફળતાનો સ્વાદ ચખાડ્યો.

નેશનલ આયુષ મિશન યોજના :ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડની ભારત સરકારની ‘નેશનલ આયુષ મિશન’ યોજના તળે, આ સાહસિક ખેડૂતે સને 2016-17 દરમિયાન ડાંગ જિલ્લાના જુદા જુદા ખેડૂતોના 24.80 હેકટર વિસ્તારમાં સફેદ મુસળીના 75 હજાર કંદનું વાવેતર અને ઉત્પાદન કરાવ્યુ. જે માટે ‘મોકાશી મુસળી ફાર્મ’ મારફત આ ખેડૂતોને રૂપિયા 34,40,023/- ની સબસિડી આપવામાં આવી.

સફેદ મુસળી : સને 2016-17 માં જ પાડોશી વલસાડ અને ડાંગ જિલ્લાના અન્ય ખેડૂતોને પણ તેમણે સફેદ મુસળીના વાવેતર માટે પ્રોત્સાહિત કરતા, તેમણે 19 હેક્ટરમાં 75 હજાર કંદનું વાવેતર કરાવી રૂપિયા 26,07,921/- ની સબસિડી અપાવી. તો સને 2017-18 માં તાપી જિલ્લાના ખેડૂતોના બીજા 10 હેક્ટર વિસ્તારમાં 75,000 કંદના વાવેતર સાથે રૂપિયા 13,72,583/- ની સહાય માટે ભલામણ કરી. સને 2018-19 માં વલસાડ જિલ્લાના ખેડૂતો પાસે 20 હેક્ટરમાં સફેદ મુસળીનું વાવેતર કરાવી, રૂપિયા 27,45,200/- ની સબસિડી અપાવી. તથા સને 2019-20 માં બીજા 7,29,534/- ની સબસિડી અપાવી. સને 2020-21 માં 20 હેક્ટરમાં વાવેતર કરાવી રૂપિયા 25,35,800/-, સને 2021-22 માં રૂ. 33,00,000/-ની સબસિડી સાથે, અત્યાર સુધી હજારો ખડૂતોને આ યોજનાથી લાભાંવિત કરાવ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં મોટે પાયે ‘ધોળી મુસળી’નું વાવેતર :ડાંગ જિલ્લાના ભવાડી ગામના ‘મોકાશી મુસળી ફાર્મ’ દ્વારા દક્ષિણ ગુજરાતમાં મોટે પાયે ‘ધોળી મુસળી’નું વાવેતર કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી, તકનીકી માર્ગદર્શન અને તાલીમ પણ પૂરી પાડવામાં આવી છે. લુપ્ત થતા જતા અતિકિમંતી એવા ઔષધિય પાકના જતન, સંવર્ધન સાથે તેના સામૂહિક વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે જયેશભાઈની કામગીરી, યોગદાન અને તેમની તથા તેમના પરિવારની નિષ્ઠા જોતા આજ દિન સુધી તેમને ડઝનબંધ ઉપરાંત સન્માનપત્રો મળી ચૂક્યા છે.

જયેશભાઈએ મીડિયા હાઉસનો આભાર વ્યક્ત કર્યો છે : વિવિધ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિકસ, અને સોશ્યલ મીડિયાએ પણ જયેશભાઈની આ સફરની સુખદ નોંધ લઈને, અવારનવાર તેમને પ્રોત્સાહિત કર્યા છે. વિવિધ સરકારી પ્રકાશનોમાં પણ તેમની સફળતાની પ્રશંસા કરવામાં આવી છે. પોતાના પરિવાર સાથે આજીવન ‘સફેદ મુસળી’ના જતન, સંવર્ધન, વાવેતર અને ઉત્પાદનની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા જયેશભાઈ મોકાશીએ ‘સફેદ મુસળી’, ગુજરાત અને ભારત સરકાર, તેના સંબંધિત વિભાગો, ગુજરાત વન ઔષધિય વનસ્પતિ બોર્ડના નિયામક શ્રીમતી ચેતનાબેન જાની, અને મીડિયા હાઉસનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

જયેશભાઈ મોકશીને મળેલા સન્માન :સને 2008થી ‘સફેદ મુસળી’ સાથે નાતો જોડનારા જયેશભાઈને તત્કાલીન ધારાસભ્ય માધુભાઈ ભોયે દ્વારા પુરસ્કૃત કરાયા હતા. ત્યારથી શરૂ કરીને આજદિન સુધી તેમને અનેક માન, અકરામ, રોકડ પુરસ્કારો, ટ્રોફી-શીલ્ડ, પ્રમાણપત્રો, પ્રશસ્તિપત્રો મળી ચૂક્યા છે.

ઈન્દોર સ્થિત સોશયલી પોઈન્ટ ફાઉન્ડેશન :સરપંચથી લઈને ધારાસભ્ય અને સંસદસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખથી લઈને પ્રધાનો સહિતના વિવિધ પદાધિકારીઓ, કલેકટરશ્રીથી લઈને સચિવશ્રી સ્તરના અધિકારીઓના પ્રશંસાપત્રો, પ્રધાનોના પ્રમાણપત્રો, અનેક સંસ્થાઓ દ્વારા સન્માનપત્રો, તથા 2022-23 માં મધ્યપ્રદેશના ઈન્દોર સ્થિત સોશયલી પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા ‘ભારત ભુષણ પુરસ્કાર' પણ તેમને મળી ચૂક્યો છે.

ABOUT THE AUTHOR

...view details