આહવામાં આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળસુરક્ષા એકમના ચેરમેન અને કલેક્ટર એન.કે. ડામોરે આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિવસની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, આપણે પોતાના બાળકોને સુવિધા આપીએ છીએ તેવી જ આદર્શ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. આ બાળકોને હસતાં, રમતા અને વાંચતા શીખવાડીએ તો સમાજમાં તેઓ સ્વમાનભેર જિંદગી જીવી શકશે. સરકાર, વહીવટી તંત્ર અને સંસ્થાઓની મદદથી આ બાળકોને નાગરિક તરીકેના હક્કો, અધિકાર મળવા જોઈએ. ત્યારે જ સાચા અર્થમાં બાળ અધિકાર દિવસની ઉજવણી સાર્થક ગણાશે.
નાયબ પોલીસ અધિક્ષક આર. ડી.કવાએ જણાવ્યું હતું કે, આપણે આપણું કર્તવ્ય નિભાવવાનું છે. બાળકોમાં આઈ.ક્યુની સાથે ઈ.ક્યુ પણ જોવાનો છે. આપણું કાર્ય બાળકોને લક્ષ્ય સુધી પહોંચાડવાનું છે.