- "અનામી પારણુ" : માનવીય સંવેદનાને ઉજાગર કરતી પહેલ
- 'અનામી પારણુ' જન્મતા વેંત જ જનેતા દ્વારા ત્યજી દેવાયેલા બાળકો માટે છત્રછાયા બનશે
- અનિચ્છનીય નવજાત શિશુને કોઈ પાલનહારના હવાલે કરી નવજીવન આપી શકાશે
આહવાઃ સમાજમાં ક્યારેક તાજા જન્મેલા સંતાનોને પોતાની જનેતા દ્વારા જ ક્યાંક અવાવરુ જગ્યાએ, કે ઉકરડા ઉપર ત્યજી દેવાના કિસ્સાઓ સામે આવે છે, ત્યારે શરીરમાં એક કમકમાટી વ્યાપી જાય છે. મન અને મસ્તિસ્કના જ્ઞાનતંતુઓ પણ ઘડી બેઘડી શિથિલ થઈ જાય છે.જ્યારે કળ વળે ત્યારે લાગણીશીલ માનવીનુ મન વિચારોની ઊંડી ગર્તામા સરી પડે છે. આખરે આવુ કેમ ? જે માતા છેક નવ માસથી પોતાના ઉદરમા તેના સંતાનને ઉછેરે છે, તેણે જ તેને જન્મતા વેંત તરછોડવુ પડે છે ?
લાચારી અને નિર્દયીને કારણે ત્યજી દીધેલાં બાળકો માટે સરકારે નિર્ણય લીધો
કારણ ભલે જે હોય તે પરંતુ સમાજ માટે શરમજનક કહી શકાય તેવી ઘટનાઓ ભવિષ્યમા ના ઘટે અને લાચારી કે નિર્દયતાને કારણે આવા ત્યજી દેવાયેલા નવજાત શિશુઓનુ અમૂલ્ય જીવન બચાવી શકાય તેવા માનવીય અભિગમ સાથે સંવેદનશીલ રાજ્ય સરકારે ઠેર ઠેર 'અનામી પારણુ' મુકવાનુ અભિયાન આદર્યું છે. જેના ભાગ રૂપે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતેની સિવિલ હોસ્પિટલમાં પણ આવુ જ એક 'અનામી પારણુ' મુકવામાંં આવ્યુ છે. અહીં એવી મજબૂર, લાચાર કે પછી અનિચ્છનીય સંતાનની માતા, પિતા કે તેમના વાલીઓને પોતાના સંતાનને અવાવરુ જગ્યાએ, કે ઉકરડા ઉપર ત્યજી ન દેતા, અહી ઉપલબ્ધ છત્રછાયા તળે મૂકી જવાની તક મળી રહેશે. જેથી કોઈ અનિચ્છનીય નવજાત શિશુને કોઈ પાલનહારના હવાલે કરી નવજીવન આપી શકાશે.
આ પણ વાંચોઃપોરબંદરની રૂપાળીબા હોસ્પિટલમાં શિશુ સ્વાગત કેન્દ્ર ખુલ્લુ મુકાયું