કૃષિ સહાય પેકેજ મેળવવા માટે ખાતેદાર ખેડૂતે તારીખ 31 ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની હતી. આ સમય મર્યાદામાં વધારો કરી તા.14/01/2020 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે. જે ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી કરેલી હશે, તેવા ખેડૂતોને જ કૃષિ સહાય પેકેજનો લાભ મળશે.
ખેડૂતો પાસેથી કૃષિ સહાય પેકેજ અંગે અરજીઓ મંગાવવાની મુદતમાં વધારો - period for farmers
ડાંગઃ રાજ્યમાં ઑકટોબર, નવેમ્બર દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. આ અંગે રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો દ્વારા નિયત નમૂનામાં ગ્રામ્ય કક્ષાએ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર કે ગ્રામસેવકને અરજી કરવી પડશે.
કૃષિ વિભાગની યાદીમાં જણાવ્યાનુસાર, અરજી સાથે ખેડૂતોએ આધારકાર્ડ, તલાટીનો પાક વાવેતરનો દાખલો અથવા 7-12, 8-એ નો ઉતારો, બેન્ક એકાઉન્ટ નંબર માટે બેન્કની પાસબૂકના પ્રથમ પાનાની IFSC કોડ સાથેની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની સહી વાળા પત્રકમાં કંઇ પણ વાંધો ન હોય તે અંગેનું સંમતિ પત્રક અથવા સંયુક્ત ખાતેદારોની અનુપસ્થિતિમાં ખેડૂતનું કબૂલાતનામું જોડવાનું રહેશે. એક ખાતાદીઠ એક જ અરજી કરવાની છે. વધુ માહિતી માટે તાલુકા વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા તાલુકા અમલીકરણ અધિકારી (ખેતી) પેટા વિભાગ કક્ષાએ મદદનીશ ખેતી નિયામક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.