ડાંગ: કોરોના માહામારી સમગ્ર વિશ્વમાં કહેર ફેલાવી રહી છે, ત્યારે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાની જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે સરકાર તરફથી કોરોના પ્રાથમિક સ્ક્રિનિંગ અને ટીબીના દર્દીના સ્ક્રિનિંગ માટેનું આધુનિક મશીન ફાળવવામાં આવતા ડાંગ જિલ્લાની આરોગ્ય સુવિધામાં વધારો થયો છે.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાની જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે સરકાર તરફથી કોરોના પ્રાથમિક સ્ક્રિનિંગ અને ટીબીના દર્દીના સ્ક્રિનિંગ માટેનું આધુનિક મશીન ફાળવવામાં આવ્યું છે. આ સાથેે હવે કોરોના વાઈરસના પ્રાથમિક રિપોર્ટ આહવા ખાતે જ કરી શકાશે.
ડાંગ કલેક્ટર એન.કે.ડામોરે કોરોના ટેસ્ટીંગ મશીનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, આપણાં ડાંગ જિલ્લામાં આ સુવિધા શરૂ થતા આરોગ્યની સેવાઓમાં વધારો થયો છે. ડાંગના લોકોના આરોગ્યની સુખાકારી માટે આરોગ્ય વિભાગની ટીમનો સરાહનીય પ્રયાસ છે.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સંજય શાહે જણાવ્યું હતું કે, પહેલા કોરોના ટેસ્ટીંગના રિપોર્ટ માટે સુરત જવુ પડતું હતું. હવે કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓની પ્રાથમિક તપાસ આહવા ખાતે જ થઇ જશે. જેથી ડાંગના લોકોની સારવાર માટે ઝડપથી નિદાન થશે અને ડાંગ જિલ્લો હંમેશા કોરોનામુક્ત બની રહે તેવો અમારો પ્રયાસ રહેશે.
જનરલ સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં આ મશીનના ઉદ્ઘાટન પ્રસંગે સિવિલ સર્જન ડૉ.રશ્મિકાંત કોંકણી, રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ડી.સી.ગામીત, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પારૂલ વસાવા, લેબ ટેકનીશ્યન પરિમલ પટેલ સહિત હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.