ડાંગઃ જિલ્લાનાં મુખ્યમથક આહવાની સિવિલ હોસ્પીટલમાં અલગથી COVID-19 માટે હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ ઉપરાંત કોરોના વાઇરસને રોકવા માટે જિલ્લા કલેક્ટર એન.કે.ડામોરની ટીમ દ્વારા જિલ્લાનાં તમામ ગામડાઓમાં આવશ્યક કામગીરીઓ કરવામાં આવી રહી છે.
COVID-19 માટે હોસ્પિટલ બનાવવામાં આવી દેશ અને રાજ્યમાં કોરોનાનાં પોઝિટિવ કેસો સામે આવતાં તંત્ર દ્વારા આહવા સિવિલ હોસ્પીટલના પાછળનાં ભાગમાં COVID-19 હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં 100 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ હોસ્પિટલમાં સ્ત્રી આઇશોલેશન વોર્ડ, પુરૂષ આઇશોલેશન વોર્ડ, ટ્રાયેજ, તાત્કાલિક સારવાર વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેનું ઉદ્ઘાટન કલેક્ટર એન.કે ડામોર દ્વારા કરવામાં આવ્યું હતું.
COVID-19 માટે હોસ્પિટલ બનાવવામાં આવી મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લામાં અન્ય રાજ્યના આવેલા લોકો અથવા અન્ય જિલ્લામાં મજૂરી કામ કરવા માટે ગયેલા લોકો પરત આવવાથી તે તમામને ક્વોરેન્ટાઇન કરવા માટે ત્રણ શેલ્ટર હોમ પણ શરૂ કરવામાં આવ્યા છે. સાપુતારા ખાતે 160 બેડ, આહવામાં 60 બેડ અને વઘઇમાં 40 બેડનાં શેલ્ટર હોમ બનાવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં અત્યાર સુધી એકપણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી, જ્યારે 2 શંકાસ્પદ વ્યક્તિઓનાં કોરોનાનાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ બાબતે ડાંગ જિલ્લા કલેક્ટર એન.કે ડામોરે જણાવ્યું હતુ કે, કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, છતાંય જિલ્લાનું લોકજીવન સુરક્ષિત રહે અને સ્વાસ્થ્ય અંગે કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીનાં ભાગરૂપે COVID-19ની સારવાર અર્થે 100 બેડની હોસ્પિટલ તૈયાર કરી છે.