- લિંગા સ્ટેટના રાજવી પરિવારનું કડું મળી જતા હોળીની ઉજવણી કરાઈ
- ગત વર્ષે કડું ચોરાઈ જતાં હોળીની ઉજવણી થઈ શકી નહોતી
- આ વર્ષે કડાંની પુજા વિધિ બાદ હોળીની ઉજવણી
ડાંગ: આદિવાસીઓ માટે હોળી મુખ્ય તહેવાર ગણવામાં આવે છે. ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષે 2 ગામડાઓમાં હોળીની ઉજવણી થઈ શકી ન હતી. લિંગા સ્ટેટના લિંગા અને ખડકવહળી ગામે રાજાની પરવાનગી વગર હોળી ઉજવણી માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ગત વર્ષે, હોળી બાદ રાજાનું કંગન મળી જતાં આ વર્ષે 2 ગામમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લાના આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી
ડાંગ જિલ્લાના આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોળી છે. ડાંગીઓ હોળી તહેવાર આનંદ અને ઉલ્લાસભેર ઉજવે છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે ભીડ એકત્ર ન કરી સાદાઈપૂર્વક હોળીની ઉજવણી કરવા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જોકે, ગતવર્ષ કોરોના મહામારી પહેલાં હોળી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ, ડાંગના 2 ગામડાઓમાં હોળી ઉજવણી કાર્યક્રમ થઈ શક્યો ન હતો.
આ પણ વાંચો:આવી રીતે થતી હતી લાલુની કુર્તા ફાડ હોળી, જૂઓ તસ્વીરો
પંચધાતુનું કંગન ખોવાઈ ગયું હોવાથી 2 ગામમાં હોળી ઉત્સવ મોકૂફ રખાયો હતો
રામાયણ કાળના જનકરાજનું પંચધાતુનું કંગન ચમત્કારીક મનાય છે. જેની પુજા વિધિ બાદ જ ગામમાં કોઈપણ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. લિંગા ગામનાં રાજવી છત્રસિંહ ભવરસિંહ સૂર્યવંશીનું પંચધાતુંનું કંગન કોઈક શખ્સ ચોરી જતાં રાજા દ્વારા કંગન જ્યાં સુધી પાછું ન મળે ત્યાં સુધી હોળી ન પ્રગટાવવાનો આદેશ આપ્યો હતો. જોકે, હોળી તહેવારનાં ઘણાં દિવસો બાદ આ કંગન મળી ગયું હતું. હવે રાજા પોતાના ગ્રામજનો દ્વારા પંચધાતુની પુજા વિધિ બાદ તહેવારની ઉજવણી કરે છે. અને આ વર્ષે પણ કંગનની પુજા બાદ રાજાએ હોળીની ઉજવણી કરી હતી. કોરોનાં મહામારીના કારણે ડાંગ પ્રસાશન દ્વારા હોળીની સાદાઈ પૂર્વક ઉજવણી માટે ગામનાં આયોજકોને સૂચનો આપ્યાં હતાં. કોરોના મહામારીને ધ્યાને લેતાં ડાંગ જિલ્લાની પ્રજા 311 ગામડાઓમાં સાદાઈપૂર્વક હોળી પ્રગટાવી હતી.
કડાની પૂજા વિધિ બાદ જ હોળીની ઉજવણી
લિંગા સ્ટેટના રાજવી છત્રસિંહ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, રામાયણ કાળનું જનક રાજાના પંચ ધાતુના કડાની પૂજા વિધિ કરીને ગામમાં હોળી પ્રગટાવે છે. ગત વર્ષે જનક રાજાનું કડું ખોવાઈ ગયું હોવાના કારણે હોળીનો ઉત્સવ મોકૂક રાખવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે કડું મળી ગયું હોવાનાં કારણે સૌ ગ્રામજનો પૂજા વિધિ કરીને હોળીની ધામધૂમથી ઉજવણી કરી હતી.
આ પણ વાંચો:ડાંગનાં લિંગા સ્ટેટ રાજવીનું કંગન મળતાં હોળીની ઉજવણી કરાશે
રાજાના હુકમ બાદ જ ધાર્મિક ઉત્સવોની ઉજવણી
લિંગા ગામનાં સરપંચ સુમનભાઈએ જણાવ્યું હતું કે, રાજાઓના સમયકાળથી ચાલી આવતી પ્રથાને તેઓએ જાળવી રાખી છે. તેઓ ગામના આગેવાન હોવા છતાં પ્રથમ રાજાના હુકમ અને રાજાની પૂજા વિધિ બાદ તેઓ હોળી પ્રગટાવે છે. હોળી તહેવાર તેઓ માટે આનંદ અને ઉત્સવનો તહેવાર છે. ગત વર્ષે કડું કોઈક શખ્સ દ્વારા ચોરાઈ જવાનાં કારણે હોળી પ્રગટાવવામાં આવી ન હતી, પરંતુ આ વર્ષે કડું મળી ગયું છે. રાજાના હુકમથી હોળીનો તહેવાર દરેક ગ્રામજનો ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યાં છે. જેનો આનંદ તેઓનાં સૌ પરિવારને છે.