- કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓની સભા યોજાઈ
- મતદારોને રીઝવવા માટે તમામ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા
- કપરાડા અને ડાંગ બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણીનો મુકાબલો
ડાંગઃ ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણીનો સિનારિયો પરફેક્ટ બેસ્યો છે. રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવવા રાષ્ટ્રીય અને પ્રાદેશિક દિગ્ગજોને મેદાને ઉતારી દીધા છે, ત્યારે જળ જંગલ અને જમીન સાથે જોડાયેલા આદિવાસી પંથક એવા ડાંગ જિલ્લામાં પણ દિગ્ગજ નેતાઓને ઉતારીને મતદારોને રીઝવવા માટે તમામ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. આહવા ખાતે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે સભા યોજાઈ હતી.
કપરાડા અને ડાંગ બેઠક વિધાનસભાની પેટાચૂંટણી
દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાની કપરાડા અને ડાંગ જિલ્લાની આદિવાસી બેઠક ઉપર વિધાનસભાની પેટાચૂંટણીનો ખરાખરીનો મુકાબલો જામ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો છે. ત્યારે લોકશાહીનાં દેવ સમાન ગણાતા મતદારોને કઈ રીતે રીઝવવા અને ભાજપની નિષ્ફળતા કઈ રીતે લોકો સમક્ષ લઈ જવી આ બધી બાબતો અંગે કાર્યકરોને સમજણ આપવા કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.