ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા નદીઓમાં પાણીની આવક વધી - rivers filled water in dang

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શનિવારના રોજ સાર્વત્રિક ધોધમાર વરસાદ તૂટી પડતા જિલ્લાની અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીમાં પાણીની આવક વધી હતી. જ્યારે રવિવારના રોજ ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી હેલીઓ વચ્ચે ધુમમ્સીયુ વાતાવરણ સર્જાતા પ્રકૃતિની ગોદને માણવા આવેલા પ્રવાસીઓનો ઉત્સાહ બેવડાયો હતો.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા નદીઓમાં પાણી છલકાયા
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા નદીઓમાં પાણી છલકાયા

By

Published : Aug 9, 2020, 7:12 PM IST

ડાંગ: રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં શનિવારે રાત્રીનાં અરસામાં ધોધમાર વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકોમાં પાણી ફરી વળ્યાં હતા.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઇ, ઝાવડા,ભેંસકાતરી, કાલીબેલ, બરડીપાડા, સુબીર, લવચાલી, પીપલાઈદેવી, ચીંચલી, પીપલદહાડ, આહવા, બોરખલ, ગલકુંડ સહિત પૂર્વપટ્ટીનાં પંથકો તેમજ મહારાષ્ટ્રને સાંકળતા સરહદીય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

ધોધમાર વરસાદનાં પગલે ડાંગની અંબિકા,ગીરા,ખાપરી અને પૂર્ણા નદીમાં પાણીની આવક વધવાની સાથે નવા નીર જોવા મળ્યા હતા. ડાંગ જિલ્લામાં અંબિકા નદી અને ગીરા નદીમાં પાણીની આવક વધતા વઘઇ નજીકનાં ગીરા ધોધ તેમજ ગિરમાળ નજીકનાં ગીરા ધોધનાં દ્રશ્યો રમણીય બન્યા હતા.

ડાંગ સહિત ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડતા જંગલ વિસ્તારનાં નાળા, ઝરણા, વહેળાઓ પ્રથમ વખત છલોછલ બન્યા હતા. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે રવિવારે દિવસ દરમ્યાન ઝરમરીયા વરસાદની હેલીઓ વચ્ચે ગાઢ ધૂમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા પ્રકૃતિની ગોદને માણવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમિયાન આહવા પંથકમાં 36 મિમી, 1.44 ઈંચ,વઘઇ પંથકમાં 56 મિમી, 2.24 ઇંચ,સુબીર પંથકમાં 49 મિમી, 2 ઈંચ, જ્યારે સાપુતારા પંથકમાં 29 મિમી 1.16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીનાં 10 કલાક દરમિયાન આહવા પંથકમાં 7 મિમી, વઘઇ પંથકોમાં 10 મિમી, સુબિર પંથકમાં 3 મિમી, જ્યારે સાપુતારા પંથકમાં 6 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details