જિલ્લામાં મેઘરાજાએ કહેર વરસાવતાં ડાંગની ચારેય નદીઓ ગાંડીતુર બનીને વહેવા લાગી છે. ડાંગ જિલ્લાની પૂર્વ પટ્ટીમાં આવેલ ચિંચલી ગામનો કોઝ વે પાણીમાં ગરકાવ થઈ જતાં અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યાં હતા.
ડાંગમાં ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાયું - ગીરાધોધ
ડાંગઃ સોમવાર સવારથી ડાંગમાં ધોધમાર વરસાદ શરૂ થતાં જનજીવન ખોરવાયું છે. સાથે વરસાદને પગલે ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિજળી ડુલ થવી, મોબાઇલ નેટવર્ક સેવા અને વહાન વ્યવહાર સેવા પણ ઠપ થઇ જતાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતાં.
માહિતી વિગત ચિંચલી ગામમાંથી પસાર થતી પૂર્ણ નદીમાં ઘોડાપુર આવતા કોઝ વે પાણીમાં ડૂબી ગયો હતો. અવિરત વરસાદને કારણે વિજળી ડુલ થઈ ગઈ છે અને માત્ર BSNL સેવા જ ઉપલબ્ધ છે. બાકી બધી મોબાઇલ નેટવર્ક સેવા ઠપ થઇ ગઈ છે. પિંપરી ગામમાંથી પસાર થતી ખાપરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં કિનારા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઇ ગયાં હતાં.
ડાંગ જિલ્લામાં અવિરત વરસાદને પગલે ડાંગની ચારેય નદીઓ ગાંડીતુર બનીને વહેવા લાગી છે. અંબિકા નદી પર આવેલ ઘોડાપુરને કારણે વધઇ ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ડિઝાસ્ટર વિભાગના જણાવ્યાં અનુસાર ડાંગ જિલ્લામાં સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં વધઇમાં સૌથી વધું 234mm, આહવામાં 110mm વરસાદ અને સુબિરમાં 84mm વરસાદ નોંધાયો હતો.