ડાંગ: રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં જૂન માસની શરૂઆતમાં જ મેઘરાજાનુ આગમન થઇ ગયું હતુ.જેના પગલે ડાંગનાં ખેડૂતોએ ડાંગર,નાગલી,વરાય જેવા અન્ય બિયારણની વાવણી કરી હતી. પરંતુ ત્યારબાદ ખેતીલાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને પાક નિષ્ફળ જવાનો ભય સર્જાયો છે.
ડાંગ જિલ્લામાં ખેતીલાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા - ખેતીલાયક વરસાદનો અભાવ
ડાંગ જિલ્લામાં જૂનના પ્રારંભમાં જ વિધિવત રીતે વરસાદની શરૂઆત થતા ડાંગી ખેડૂતોએ વાવણી કરી હતી.પરંતુ વાવણી કર્યા બાદ જુલાઈ મહીનામાં ઝરમરીયો વરસાદ અને ખેતી માટે નહિવત જેવા વરસાદના કારણે ડાંગના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જો આવનારા દિવસોમાં વરસાદ નહી વરસે તો જગતના તાતને ભૂખે મરવાનો વારો આવે તેવી સંભાવનાઓ સર્જાઈ છે.
ડાંગ જિલ્લાના 30 ટકા પિયત ખેડૂતોએ ડાંગરની વાવણી અને રોપણી પણ કરી દીધી છે.ત્યારે અચાનક ડાંગમાં મેઘરાજાએ રીસામણા લેતા 70 ટકા ખેડૂતોની રોપણી બાકી રહી ગઇ છે. જિલ્લાનાં અમુક ખેડૂતો પાસે પિયતની અન્ય કોઇ પણ સુવિધાઓ નથી અને હવે વરસાદી ખેતી પર નભતા ખેડૂતો માટે રોપણીનો સમય પણ વીતી જવા પામ્યો છે.
ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે દર વર્ષે ચોમાસુ પાછુ સરકતુ જાય છે. ગુજરાત તેમજ ભારતનાં અન્ય રાજ્યોમાં જ્યાં વરસાદે તારાજી સર્જી છે ત્યારે ડાંગ જિલ્લાના ખેડૂતો હાલમાં વરસાદી પાણી માટે તરસી રહ્યા છે. જો વરસાદ વિધિવત રીતે નહી વરસે તો ડાંગ જિલ્લામાં દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે.જે બાબતે ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા ખેડૂતો માટે સહાય આપવામાં આવે તે જરૂરી બન્યુ છે.