ડાંગ : કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે ડાંગ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. હાલમાં લોકડાઉનની પરિસ્થિતિમાં ડાંગના મજુરો જે અન્ય જિલ્લામાંથી પરત ફર્યા છે. તેઓનાં આરોગ્યની સારસંભાળ માટે તંત્ર દ્વારા સંપુર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. કોરોના વાઇરસની મહામારી રોકવા માટે પી.એમ મોદીએ કરેલા લોકડાઉનના આહ્વાનને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપુર્ણપણે પાલન કરવામાં આવી રહ્યું છે.
શનિવારના રોજ ડાંગ કલેક્ટર એન.કે. ડામોરે મિડીયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે જિલ્લાના લોકો સ્વેચ્છાએ લોકડાઉનનું પાલન કરી રહ્યાં છે. લોકડાઉન દરમિયાન લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટે આવશ્યક સેવાઓ ચાલુ રાખવામા આવેલી છે. ડાંગના ૬૦ હજાર જેટલા મજુરો અન્ય જિલ્લાઓ જેવા કે સુરત, નવસારી વગેરે જગ્યાએ સુગર ફેક્ટરીમાં કામ અર્થે જાય છે. જેમાંથી લોકડાઉન દરમિયાન ૨૭૭૧૩ જેટલા મજુરો પરત ફર્યા હતા. જ્યારે અન્ય મજુરો ડાંગ દરબારના હોળી પર્વ પહેલા જ વતન પરત ફર્યા હતા.