ડાંગઃ કોરોના વાઈરસની મહામારીનાં પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા લોકડાઉનનાં બીજા તબક્કાનાં પ્રથમ દિવસે ડાંગ જિલ્લામાં વહીવટી તંત્ર સહિત પોલીસની ટીમોએ એલર્ટ બની ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા લોકડાઉનને સફળ પ્રતિસાદ મળ્યો હતો.ડાંગી જનજીવનનાં જાગૃતિનાં પગલે આજ દીન સુધી જિલ્લામાં એક પણ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો નથી.
કોરોનાના વધતા સંક્રમણને લઈ પીએમ મોદી દ્વારા લોકડાઉનનો સમય વધારવામાં આવ્યો છે. ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લા કલેકટર એન.કે.ડામોર અને એસ.પી.સ્વેતા શ્રીમાળીએ લોકડાઉનનાં બીજા તબક્કાનાં 19 દિવસ સુધી લોકો લોકડાઉનનો ચુસ્તપણે પાલન કરે તે માટે કમર કસી અથાગ પ્રયત્નો હાથ ધર્યા છે. ડાંગ જિલ્લા વહીવટી તંત્રની ટીમે બુધવારે પ્રથમ દિવસથી જ સરકારની ગાઈડલાઈન મૂજબ લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવાની શરૂઆત કરી દીધી છે.