ગુજરાત

gujarat

ETV Bharat / state

પાંરપારિક આદિવાસી સંસ્કૃતિના કારણે ડાંગ જિલ્લો કોરોના મુક્ત બન્યો - latest news of dang

ડાંગના આદિવાસી લોકો અનાદિકાળથી પ્રાચીન સંસ્કૃતિ મુજબ જીવનશૈલી અપનાવી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ, સ્વચ્છતા, આયુર્વેદની ચિકિત્સા પધ્ધતિ તથા અનોખી જીવનશૈલીના કારણે કોરોના જેવા વાઇરસના સંક્રમણ સામે અડગ જીવન જીવી રહયા છે.

ડાંગ
ડાંગ

By

Published : May 20, 2020, 12:44 PM IST

ડાંગઃ જિલ્લો ગુજરાત રાજ્યનો છેવાડાનો જિલ્લો છે. પ્રાચીન આદિવાસી સંસ્કૃતિ ધરાવતો આ જિલ્લો અનેક વિશેષતાઓથી ભરપૂર છે. અહીંના લોકોની જીવનશૈલી તથા પારંપારિક સંસ્કૃતિ આજપર્યંત અકબંધ છે. સોશ્યલ ડિસ્ટન્સ,સ્વચ્છતા,સામાજીક વ્યવસ્થા,આયુર્વેદીક ચિકિત્સા પધ્ધતિ જેવા અનેક વિષયોમાંના પાઠ આદિવાસી સંસ્કૃતિમાં પેઢી દર પેઢીથી લોકોને વારસામાં મળે છે.

પાંરપારિક આદિવાસી સંસ્કૃતિના કારણે ડાંગ જિલ્લો કોરોના મુક્ત બન્યો

ડાંગના લોકોની જીવનશૈલી અનોખી છે. અહીંના લોકોનું લોકજીવન, પોશાક,ભોજન,ખેતી હજુ પણ પારંપારિક ઢબે જોવા મળે છે. અહીંના ભૌગોલિક વિસ્તાર મુજબ ખેતીના પાકો પણ પારંપારિક જ જોવા મળે છે. જેમકે નાગલી, અડદ, ખરસાણી, ડાંગર, તુવેર, મગફળી,વરઇ વિગેરે.

પાંરપારિક આદિવાસી સંસ્કૃતિના કારણે ડાંગ જિલ્લો કોરોના મુક્ત બન્યો

ડુંગરોનો પ્રદેશ હોવાના કારણે અહીંના પાકોને માફક આવે તેવી જમીનનું બંધારણ છે. નાગલી અહીંના લોકોનો મુખ્ય ખોરાક છે. નાગલીના ધાન્યમાં ભરપૂર માત્રામાં આર્યન અને કેલ્શીયમ હોવાના કારણે અહીંના લોકો ખૂબ ખડતલ છે. ડાંગના લોકોનો મુખ્ય ખોરાક અડદની દાળ અને નાગલીનો રોટલો છે. સાથે લીલા-સુકા મરચા અને લસણની ચટણી તો હોય જ. નાગલીના રોટલા સાથે અહીંના લોકો અડદનું ભુજીયુ અચૂક ખાય છે. લોખંડની તવીમાં અડદને શેકવામાં આવે છે. ત્યારબાદ તેને સ્વયંસંચાલિત પથ્થરની ઘંટીમાં લોટ જેવુ દળીને રાખી મુકવામાં આવે છે. ઘરમાંથી ક્યાંય પણ બહાર જવાનું થાય તો આ લોકો નાગલીના રોટલા અને ભુજીયુ સાથે રાખે છે. અને ભૂખ લાગે ત્યારે મોજથી જમી લે છે. શહેરના લોકોની સરખામણી કરીએ તો હંમેશા કોઇ હોટલ કે નાસ્તા સેન્ટર શોધી લોકો ખાવાનું શોધે છે. પરંતુ ડાંગના લોકો બહારનું ભોજન લેતા નથી કે લેવા ટેવાયેલા પણ નથી જેથી અહીંના લોકોનો બાંધો ખૂબજ મજબૂત કહી શકાય.

હાલમાં જ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ દુનિયભરમાં ફેલાઇને કહેર વર્તાવી રહયો છે, ત્યારે ડાંગમાં પણ 3 જેટલા પોઝેટીવ કેસો મળી આવ્યા હતા. પરંતુ આ બધાજ કેસોમાં કોરોનાને લગતા ચિન્હો કોઇ જોવા ના મળ્યા અને બધાજ કેસોમાં સંક્રમણ પણ ફેલાયું અને લોકો ઝડપથી સાજા થઇ ગયા. અહીંના લોકો સીંગતેલનો પણ નહીંવત ઉપયોગ કરે છે. ખાસ કરીને અહીં ખરસાણી નામના તેલીબીયાનો પાક થાય છે. જે પીળા રંગના નાના ફુલો ધરાવે છે. ખરસાણીના તેલની વિશેષતા છે કે શૂન્ય ટકા કોલેસ્ટોરેલ ધરાવતુ હોવાથી હ્યદય રોગના દર્દીઓ માટે ખૂબ ઉત્તમ કહેવાય છે. લોકો ખાવાના તેલમાં ખરસાણીના તેલનું મિશ્રણ કરી ઉપયોગમાં લે છે.

માત્ર ચોમાસાના વરસાદ આધારિત ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર લોકોનું જીવન પણ ખુબ સરળ છે. લોકજીવન પર નજર કરીએ તો લોકો પોતાની જમીનમાં છુટા છવાયા ધરો બનાવીને રહે છે. અને સામાજીક અંતર જાળવવુ એ તો ગળથુથીમાં જ છે. જેમ કે હજુ પણ કોઇપણ વ્યક્તિઓ જ્યારે મળે છે ત્યારે હાથ મિલાવતા નથી પરંતુ હાથ જોડીને રામ રામ કરે છે.

કોરોના વાઇરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓમાં આપણે ઘણું બધુ આદિવાસી લોકો પાસે શીખવા જેવુ છે. આર્થિક પછાત ગણાતા લોકો સંસ્કારો અને જીવનશૈલીથી સમૃધ્ધ છે. દેશી પધ્ધતિથી ખેતી કરતા આદિવાસી લોકો હજુ પણ પાડા કે બળદનો ઉપયોગ ખેતી કરવા માટે કરે છે. તેમજ ખેતીપાકનું ઉત્પાદન થાય ત્યારે ડાંગરની સાચવણી વાંસના બનાવેલા પાલામાં નાંખે છે.

અહીં કોટવાળિયા નામની જાતિના લોકો ફક્ત વાંસકામ કરીને જીવન ગુજારે છે. જીવન જરૂરિયાતની ઘણીબધી અદ્‍ભૂત વસ્તુઓ આ લોકો બનાવે છે. જેમાં ખેતી કામમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ ટોપલા,ટોપલી,ડાલા,સુપડા,છાબલી,નકરંડિયાનો ઉપયોગ આવા ગ્રામીણ વિસ્તારમાં જ જોવા મળે છે. વાંસમાંથી બનાવેલા પાલાને નળાકારમાં ગોઠવી તેમાં ડાંગરની સાચવણી કરવામાં આવે છે. જેમાં કોઇપણ પ્રકારની દવાઓ નાંખવામાં આવતી નથી. ફક્ત છાણ-માટીથી લીપીને અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. વળી કઠોળ વિગેરે સાચવવા માટે પણ માટીની કોઠી બનાવીને તેમાં સંગ્રહ કરાય છે.

આવા પારંપારિક પાત્રમાં સંગ્રહાયેલુ અનાજ બગડતુ નથી. જ્યારે પણ પૈસાથી તકલીફ પડે ત્યારે જરૂરિયાત મુજબ જ થોડુ અનાજ વેચીને ગુજરાન ચલાવવામાં આવે છે. આદિવાસી લોકોની કૌટુંબિક ભાવના ખૂબ મોટી છે. જ્યારે કુદરતી આપત્તિ આવે ત્યારે સૌ લોકો હળીમળીને રહે છે. જેમની પાસે અનાજ ન હોય તો ખાવા માટે બીજાને ઉદાર હાથે આપે છે.

અહીંના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે કે તેઓના પૂર્વજો સો કરતા વધારે ભાજીનો શાક તરીકે ઉપયોગ કરતા હતા. આજે આપણે નામ પણ ન સાંભળ્યા હોય તેવી ભાજીનો લોકો ખાવામાં ઉપયોગ કરે છે. જે પૈકી ચીલ, ચાકોદ, કુરૂ, ભોકળ, કવળી, ખાટીભાજી, તાંદળજો, મેથી, પાલક, માટલા, મૂળો, ઝરખીલો, ચૂંચળા વિગેરે ભાજીનો ઉપયોગ આવા ગ્રામ્ય વિસ્તારમાં જ જોવા મળે છે.

અનેક અસાધ્ય ગંભીર રોગો સામે રક્ષણ મેળવવા માટે સૌપ્રથમ અહીંના લોકો જડીબુટ્ટીથી સારવાર કરતા સ્થાનિક ભગતો પાસે જાય છે. વનસ્પિતિના પાન, ફુલ, મૂળ, વેલા જેવી ઔષધિઓના ઉપયોગ કરે છે. હાલમાં જ કોરોના વાઇરસ ના લક્ષણોની જાણકારી મળતા જ અહીંના ભગતોએ લીમડો,ગળોની વેલ જેવી વનસ્પતિના ઉપયોગથી સેનેટાઇઝર તરીકે ગામમાં અને પોતાના ધરોમાં છંટકાવ કર્યો. આજે ભારત સરકારના આયુષ મંત્રાલય પણ ઔષધિઓનો ઉપયોગ કરવા ભાર મૂકે છે.

ડાંગના જંગલોમાં અનેક પ્રકારની ઔષધિઓ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. આપણે સ્થાનિક ભગતો પાસે જાણકારી મેળવીએ ત્યારે ખબર પડે છે કે અહીંના લોકો કેવી રીતે ઉપચાર કરે છે. વળી વનસ્પતિ ના ઉપયોગ કરતા પહેલા આ લોકો તેનું પૂંજન કરે છે. ત્યારબાદ વનસ્પતિના ઉપયોગ માટે રજા માંગે છે. ડાંગના જંગલોના લોકો કોરોનાનું નામ સાંભળ્યુ કે, તુરંત ડુંગરો ઉપર વનસ્પતિ શોધવા માટે ઉમટી પડયા અને તેઓને પૂછવામાં આવ્યું કે, કોરોનાથી બચવા તમે શું કરો છો. ત્યારે સામાજિક અંતર રાખીને જ અમે જીવીએ છીએ. અને આ વનસ્પતિના ઉપયોગથી અમને શરદી-ખાંસી પણ ના થાય તેવુ કહેતા હતા.

ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જિલ્લો જાહેર કર્યો છે ત્યારે અહીં લોકો ખાતર કે દવાઓનો ખેતીમાં ઉપયોગ કરતા નથી. નાગલીની ખેતી માટે વૃક્ષના પાન,ડાળી એકત્ર કરીને એક જગ્યાએ સળગાવીને આદર કરવામાં આવે છે. જેને સળગાવીને નાગલીનું ધરૂ તૈયાર કરાય છે. આ પારંપારિક પ્રથા ડાંગમાં જ જોવા મળે છે. જેના કારણે નાગલીમાં નિંદામણ ઓછુ રહે છે અને રોપણીના સમયે નાગલીના ધરૂને ઉખાડવામાં સરળતા રહે છે. વધુમાં પથ્થરોવાળી જમીન હોવાથી પાડાઓથી જ ખેતી કરવામાં આવે છે. આ પાડાઓનો ખેતીકામમાં જ ઉપયોગ કરવામાં આવે છે.

ગાઢ જંગલોમાં વસતા આદિવાસીઓની વિશિષ્ટ જીવનશૈલીના કારણે જ હાલમાં ડાંગ જિલ્લો કોરોનામુક્ત બની રહયો છે. અહીંના લોકો પુષ્કળ પ્રમાણમાં રોજગારી અર્થે બહારના રાજ્ય કે જિલ્લાઓમાં ગયા હોવા છતા કોરોનામુક્ત રહી શક્યા હોવાનું માનવામાં આવી રહયું છે. લોકોના જીવનની સાદી રહેણી-કહેણીના કારણે અહીંના લોકો ખૂબ તંદુરસ્ત અને નિરોગી જીવન જીવે છે. અહીં કોઇને ડાયાબીટીસ,બ્લડ પ્રેશર,જેવી બીમારીઓ જોવા મળતી નથી. આમ, પારંપારિક જીવન પધ્ધતિના કારણે જ ડાંગ જિલ્લો ગ્રીન ઝોન બની ગયો હોવાનું નકારી શકાય તેમ નથી.

ABOUT THE AUTHOR

...view details