- આ પહેલાં અઠવાડિયા 4 દિવસ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો
- ડાંગ જિલ્લામાં વ્યાપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય
- વેપારીઓ દ્વારા શનિ-રવિમાં દુકાનો બંધ રાખવાનો નિર્ણય
ડાંગ: કોરોનાના સંક્રમણના કેસોમાં સતત વધારો થતા ડાંગ જિલ્લા વ્યાપારી એસોસિએશન દ્વારા છેલ્લા 3 અઠવાડિયાથી દરેક અઠવાડિયા દીઠ 4 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું હતું. જે બાદ હવે સોમવારથી શુક્રવાર સુધીમાં બપોરે 2 વાગ્યા સુધીમાં તમામ દુકાનો ચાલુ રહેશે અને ફક્ત શનિ-રવિમાં જ સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવશે.
ફક્ત શનિ-રવિમાં જ વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો
ડાંગ જિલ્લામાં ગત મહિનાથી કોરોનાના કેસોમાં ભરખમ વધારો થતા જિલ્લા વહીવટી તંત્રનાં અધિકારીઓ, જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય અને વઘઇ- આહવા વ્યાપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જિલ્લામાં હાલ કોરોના સંક્રમણનાં કેસોમાં ઘટાડો થતા ફક્ત શનિ-રવિમાં જ વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ડાંગમાં સોમવારથી શુક્રવાર સુધી દુકાનો ચાલુ રાખવાનો વેપારીઓનો નિર્ણય
ડાંગ જિલ્લામાં હવે દરેક સોમવારથી શુક્રવાર સુધી તમામ દુકાનો સવારથી બપોરનાં 2 વાગ્યા સુધીમાં ચાલુ રાખવામાં આવશે, પરંતુ શનિવારે અને રવિવારે દુકાનો ચાલુ રહેશે નહીં. અને આહવાનાં વ્યાપારી એસોસિએશન દ્વારા શરૂઆતમાં ગુરુવારથી રવિવાર સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લઈ જિલ્લામાં દરેક દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ સમય દરમ્યાન ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ અને મેડિકલની દુકાનો જ ચાલુ રાખવામાં આવતી હતી, પરંતુ હવે સમય વધારો કરી અઠવાડિયાનાં 5 દિવસ સુધી 2 વાગ્યા સુધીમાં તમામ દુકાનો ચાલુ રહેશે.જ્યારે શનિ રવિ 2 દિવસ સુધી દુકાનો બંધ રહેશે.