ડાંગ: 'ગુરુજી'ના નામે અદકેરું સ્થાન ધરાવનારા 'ગાંડા કાકા'નુ આજે 92 વર્ષે નિધન થયું હતું. 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યાર બાદ મળેલ સ્વરાજ્યને ગામડે ગામડે સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૂ થયો હતો. તે અરસામા ડાંગના સીલોટમાળ ગામના અગ્રણી રામજીભાઈ તથા અન્ય વડીલોએ વેડછી (વાલોડ) મુકામે જુગતરામ દવે તથા બારડોલી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલને મળીને ડાંગ વિસ્તારમા શિક્ષણ સાથે અન્ય સેવાકીય પ્રવૃત્તિઓની ખૂબ જ જરૂરિયાત છે તે અંગેની માગણી મુકી અને સંનિષ્ઠ કાર્યકરોને મોકલવા માટે વિનંતી કરી. જેના ફળ સ્વરૂપે છોટુભાઈ નાયક અને ઘેલુભાઈ નાયકનુ ડાંગમા આગમન થયુ હતું.
કેવી રીતે આવ્યા ડાંગ?: 1948મા ટૂંક સમયમા જ ઘેલુભાઈ નાયક વધુ અભ્યાસ અર્થે બહારગામ ભણવા ગયા અને છોટુભાઈ એકલા પડ્યા. તે સમયે ડાંગમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી. ઘણી બધી મુશ્કેલીઓ હતી અને શિક્ષણ તથા સેવાનું કાર્ય પણ આગળ વધારવાનુ હતુ. તેથી આ પ્રકારના કાર્યો માટે પ્રમાણિક અને નિષ્ઠાવાન ઉત્સાહી યુવાન કાર્યકરોની જરૂરિયાત ઉભી થઇ. ગાંડાભાઈ પટેલ કાજલી, ફણસા, ઉમરગામ વિસ્તારમા અગાઉ આ જ પ્રકારની સેવાની કામગીરી સાથે સંકળાયેલા હોવાથી છોટુભાઈ નાયકે ગાંડાભાઈ પટેલ અને પોતાના મોટા ભાઈ ધીરુભાઈ નાયકને ડાંગ વિસ્તારમા કામ કરવા માટે પોતાની સાથે જોડાવા માટે આગ્રહ કર્યો અને ખાસ આમંત્રણ આપ્યું હતું. જેના ભાગરૂપે છોટુભાઈ નાયકના આગ્રહને માન આપીને વાલોડ (વેડછી) ખાતે જુગતરામ દવે પાસેથી માર્ગદર્શન, પ્રેરણા અને આશીર્વાદ લઇ 1950માં ગાંડાભાઈ પટેલ નાયક બંધુઓ સાથે શિક્ષણ અને સેવાના કાર્ય અર્થે ડાંગ આવ્યા હતા.
આઝાદીની લડાઈમાં લીધો ભાગ:1950થી આ લખાય છે ત્યાં સુધી એટલે 2023 સુધી ગાંડાકાકા સતત 72 વર્ષથી ડાંગ જિલ્લામા આદિવાસીઓના સર્વાંગી વિકાસના ભગીરથ કાર્યમા સહભાગી થાય છે. આયખાના 91 વર્ષે પણ સંસ્થામા ઉત્સાહભેર કામ કરતા. તેઓ શીર્ષાસન કરતા, રેટીયો કાંતતા અને કર્મચારીઓ, બાળકો, સંસ્થાના હિસાબી/વહીવટી તથા અન્ય વિવિધ કામોમા સક્રિય રહેતા ડાંગ જિલ્લાની વિવિધ પ્રકારની સમિતિઓમા અને બેઠકોમા પણ જરૂર પડ્યે ઉપસ્થિત રહી માર્ગદર્શન કરતા હતા. છોટુભાઈ નાયકનુ સને 1987માં અવસાન થયુ ત્યા સુધી તેમના તમામ કાર્યોમા ગાંડા કાકાએ આજીવન સહભાગીની ભૂમિકા નિભાવી અને ત્યારબાદ સંસ્થા તથા છોટુભાઈના કુટુંબીજનોનુ પરિવારના મોભીની જેમ ધ્યાન રાખીને વિવિધ પ્રકારની ફરજો ખૂબ જ ધીરજપૂર્વક અને મુકસેવક બનીને નિભાવી રહ્યા હતા. બાળ સ્વાતંત્ર્ય સેનાની તરીકે ઓળખાતા ગાંડાભાઈ છનાભાઈ પટેલનો જન્મ 8 ફેબ્રુઆરી 1931ના રોજ ઐતિહાસિક દાંડી ગામે થયો હતો. દાંડીના આગેવાન એવા ખેડૂત છનાભાઈ પટેલના આ કુળદીપકે તેમનુ પ્રાથમિક શિક્ષણ દાંડીની પ્રાથમિક શાળામા લીધુ. નાની વયે જ માતાપિતાની છત્ર છાયા ગુમાવનારા ગાંડાભાઈએ સને 1942મા ભારત છોડો આંદોલનમા ભાગ લેતા નાની વયે જ શાળા છોડી દીધી અને બાળપણથી જ સ્વતંત્રતા સંગ્રામ માટેની સભા, સરઘસ, અને રેલીઓ ગજવતા થયા.
નાની ઉંમરથી હતા સક્રિય:સોમાભાઈ દાંડીકર, દિલખુશ દીવાનજી, મણિબેન નાણાવટી જેવા સ્વતંત્રતા સેનાનીઓ સાથે સ્વતંત્રતાના પાઠ શીખ્યા. કિશોર વયે ખાદી કાંતણ, વણાટ, નઈ તાલીમ, શ્રમ, સ્વાશ્રય જેવા ગુણો જીવનમા ઉતાર્યા. બાળવયે, કિશોર અવસ્થામા આઝાદીની ચળવળના વિવિધ પ્રકારના કાર્યક્રમોમા, સભાઓ સરઘસોમા ઉત્સાહભેર ભાગ લીધો. 1942થી 1947 દરમિયાન દાંડી, કરાડી, મટવાડ, નવસારી વિસ્તારમા સ્વતંત્રતાની જ્યોતિ પ્રજ્વલિત કરવામા ભાગ લીધો. ઉંમર ઓછી હોવાને કારણે જેલમા જવાનુ ન થાય પરંતુ નાની ઉંમરે પણ તમામ પ્રકારના કાર્યક્રમોના સહભાગી અને સાક્ષી બન્યા. ત્યારબાદ છોટુભાઈ નાયકના બોલાવવાથી સને 1950માં ડાંગ આવવાનુ થયુ અને ડાંગ વિસ્તારને પોતાની કર્મભૂમિ બનાવી આદિવાસીઓના ઉત્થાન માટે જીવન સમર્પિત કરવાનો ભેખ ધારણ કરી લીધો.
વિષમ પરિસ્થિતિઓ:ગાંડાકાકાએ તે સમયની વરના ક્યુલર ફાઇનલ, હિન્દી વિનીત, હિસાબી મંત્રીની તાલીમ, નાગરિક સંરક્ષણ અને નઈ તાલીમ, કાંતણ/વણાટ શિક્ષક તરીકેની તાલીમ, સ્વાધ્યાય, યોગાસન જેવી અનેક પ્રકારની તાલીમ અને પરીક્ષાઓ પસાર કરી હતી. તત્કાલીન સુરત જિલ્લામા (તે સમયે વલસાડ, નવસારી અને ડાંગ નો સમાવેશ સુરત જિલ્લામા થતો હતો) કુસ્તીની સ્પર્ધામા પ્રથમ ક્રમ પણ મેળવ્યો હતો. 1950માં ગાંડાભાઈ પટેલ ડાંગ આવ્યા, ત્યારે ડાંગ જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ વિશિષ્ટ પ્રકારની અને વિકટ હતી. અહીં બહારથી આવીને લાંબો સમય રહેવા માટે કોઈ તૈયાર થતુ ન હતુ. અહીંનો સંપૂર્ણ વિસ્તાર જંગલ અચ્છાદિત હતો. ખુબ જ ગીચ જંગલ હતું. ઊંડાણના ગામડાઓમા પગપાળા ચાલીને જ પ્રવાસ કરવો પડતો અને રસ્તા પણ ન હતા. વીજળી પણ નો'તી. ઉનાળામાં પાણીની ખૂબ જ તંગી રહેતી, તો ચોમાસામા ભારે વરસાદ પડતો.