ડાંગના પ્રાથમિક શિક્ષકોએ એક સપ્તાહ સુધી શિક્ષક શોષિત સપ્તાહની ઉજવણી સાથે કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો - ડાંગમાં શિક્ષક શોષિત સપ્તાહની ઉજવણી
ડાંગ જિલ્લામાં વર્ષ 2010નાં વર્ષમાં નિમણૂક મેળવેલ પ્રાથમિક શિક્ષકોને 4200નાં ગ્રેડ-પેમાં અન્યાય થતા જિલ્લાના ત્રણેય તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોએ આજરોજથી એક સપ્તાહ સુધી શિક્ષક શોષિત સપ્તાહની ઉજવણી સાથે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે.
ડાંગ: ગુજરાત રાજ્યનાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કેટલાક શિક્ષકો વર્ષ 2010 અને ત્યારબાદ પ્રાથમિક શિક્ષક તરીકે નિમણૂક પામેલા તેમજ ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો છે. આ શિક્ષકોને શરૂઆતથી જ અન્ય રાજ્યોની જેમ પૂર્ણ વેતન અને 4200નો ગ્રેડ પે જોઈએ છે, ત્યારે તેની જગ્યાએ રાજ્ય સરકારનાં વિવાદીત નિર્ણયનાં પગલે 9 વર્ષની નોકરી પૂર્ણ કરેલા પ્રાથમિક શિક્ષકોને 2800નો ગ્રેડ પે કરી દીધો છે. જેમાં અમુક શિક્ષકોને 4200 અને અમુક શિક્ષકોને 2800નો ગ્રેડ પે આપી સરકારે ભેદભાવની નીતિ અપનાવી છે, આથી શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી છે આ બાબતે સરકારમાં છેલ્લા બે મહિનાથી પ્રાથમિક શિક્ષકો દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી રહી છે. આમ છતાં પણ ઉકેલ મળ્યો નથી. 2010નાં વર્ષમાં નિમણૂક થયેલા પ્રાથમિક શિક્ષકોને મોટી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેથી આ 4200નાં ગ્રેડ પેમાં થયેલ અન્યાયનાં ઉકેલ મેળવવા માટે ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોએ 25મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી એક સપ્તાહ માટે શિક્ષક શોષિત સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ અંતર્ગત રોજે- રોજ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરશે. આ સાથે જ રાજ્ય સરકાર આ બાબતે ત્વરિત નિર્ણય ન આપે તો આવનારા દિવસોમાં આવેદનપત્ર, ધરણા તેમજ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર સહિતનાં કાર્યોની ચીમકી ઉચ્ચારી છે.