ડાંગ: જિલ્લાના વિકાસ એજન્સી નિયામક ડી.આર.અસારીના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ કરતા સ્વસહાય જૂથો કાર્યરત છે. આ સખી મંડળોના બહેનો નાગલી પાપડ,અથાણા,સિવણકામ,નાહરી હોટલ ચલાવી આર્થિક ઉપાર્જન કરી રહયા છે. જેને પગલે સુબીર તાલુકાના લક્ષ્મી વન બચત જૂથના બહેનોને કોરોના વાઇરસથી બચવા માટે માસ્ક તૈયાર કરવાનો ઓર્ડર મળ્યો છે.
ડાંગની લક્ષ્મી વન બચત જૂથ કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માસ્ક તૈયાર કરે છે.
કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે આરોગ્ય વિભાગના દિશા-નિર્દેશ અનુસાર દરેક લોકોએ સાવધાની રાખવા માટે માસ્ક પહેરવુ જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને સુબીર તાલુકાના લક્ષ્મી વન બચત જૂથના બહેનોને કોરોના વાઇરસથી બચવા માસ્ક તૈયાર કરવાનો ઓર્ડર મળ્યો છે.
લક્ષ્મી જૂથના પ્રમુખ નિરમાબેન ઉમેશભાઇ પટેલે જણાવ્યું હતું કે અમારૂ જૂથ છેલ્લા બે વર્ષથી વિવિધ પ્રવૃત્તીઓ કરે છે. જેમાં ડ્રેસ મટીરીયલ,કાપડની થેલી,નાહરી હોટલ વેગેરે કામો કરે છે. જૂથમાં 10 બહેનો સામેલ છે. આજે અમારા જૂથને આરોગ્ય વિભાગનો 4000 માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો છે. જે અમો સમય મર્યાદામાં બનાવી આપીશું. અમારા જૂથને શરૂઆતમાં રૂા.૧૫,૦૦૦ ફંડ ગ્રામ વિકાસ તરફથી મળ્યું હતું. આજે અમારી બહેનોને રોજગારી મળી રહી છે.
મદદનીશ પ્રાયોજના અધિકારી સતીષભાઇ એસ.પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સ્વસહાય જુથોને કોટનના માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો છે. તદઉપરાંત આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ,આહવા-ડાંગ દ્વારા અંદાજીત ચાર હજારથી વધુ કોટનના માસ્ક તૈયાર કરવા ઓર્ડર આપવામાં આવ્યો છે. એન.આર.એન.એમ.ના એપીએમ સતીષભાઇ આ જૂથની બહેનોને કાપડ ખરીદવાથી લઇને માસ્ક તૈયાર કરવા સુધીની કામગીરીમાં મદદ કરી રહયા છે.