ડાંગ:એવું કહેવાય છે કે સૌંદર્યને પામવા સુંદર થવું પડે તેવી જ રીતે પ્રકૃતિને માણવા પ્રકૃતિમય બનવું પડે. જીવનને યથાર્થ જીવવા માટે કેટલીક ચિરસ્થાયી સ્મૃતિઓનું હોવું ખુબ જરૂરી છે. હું તમને એવું કહું કે ડાંગની મુલાકાત તમે હજારો ચિરસ્થાયી સ્મૃતિઓ આપશે તો તમે ડાંગની મુલાકાત લેશો? ઊંચા ઊંચા ડુંગરો ઉપરથી નીચે ખીણમાં ખાબકતા શ્વેત દુગ્ધધારા જેવા અનેક નામી અનામી જળધોધ ઉપરાંત, ખીણ પ્રદેશમાં જાણે કે આકાશમાંથી પોતાના પ્રિયતમથી વિખૂટી પડી, એકલી અટુલી અટવાતી શ્વેત શ્યામ વાદલડી અને તેની ધૂમ્રશેર ડાંગના સૌંદર્યને ચાર ચાંદ લગાવી દે છે.
પ્રવાસનનો વિકાસ: પ્રકૃતિના ચાહક એવા પર્યટકોની અહીંની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણુ બની રહે તે માટે, રાજ્ય સરકારના પ્રવાસન મંત્રાલયે અહીં પાયાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને, પ્રકૃતિપ્રેમી પર્યટકોને પ્રકૃતિનો અણમોલ નજારો માણવાની સુગમતા કરી આપી છે. એક સમયે અંધારિયા દેશ તરીકે ઓળખાતા ડાંગ પ્રદેશે આજે પ્રવાસન ક્ષેત્રે સારી એવી નામના મેળવી છે.
નો પ્લાસ્ટિક ઝોન:વન વિસ્તારમા પ્રવાસે આવતા પ્રવાસીઓને વન જતન અને સંવર્ધનના કાર્ય માટે પ્રોત્સાહિત કરવા સાથે, સમગ્ર ડાંગ જિલ્લાને વન વિભાગે 'નો પ્લાસ્ટિક ઝોન' જાહેર કર્યો છે. અહીંના પર્યાવરણને કોઈ નુકશાન ન પહોંચે તેની તકેદારી દાખવવા પણ વન વિભાગે અપીલ કરી છે. જોકે, પ્રકૃતિની સાચી મજા માણવી હોય તો ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લાની મુલાકાત લેવી જોઈએ.
શિવ ઘાટ ધોધ: આ ધોધ મુખ્ય રોડ પર હોવાથી અહીંથી પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બને છે. અહીંથી પસાર થતા પ્રવાસીએ બે ઘડી માટે અહીં ગાડી થોભાવવાનું ચૂકતા નથી. અમુક પ્રવાસીઓ શિવ મંદિરની મુલાકાત લઈને ધોધમાં સ્નાન કરવાનો પણ લહાવો લેતા હોય છે. આ ધોધ સામાન્ય રીતે જૂન મહિનાથી જાન્યુઆરી મહિના સુધી જીવંત રહેતો હોય છે.