સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાહ્ય. આ ઉક્તિ આજે થોરપાડા ગામના અવિરાજ ચૌધરીએ સિદ્ધ કરી બતાવી છે. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતો અવિરાજે દિલ્હી IITમાં પ્રવેશ મેળવ્યો છે. દેશની સર્વોચ્ચ એન્જીનીયરીંગ ક્ષેત્રે લેવાતી પરીક્ષામાં 1020મો ક્રમાંક મેળવીને દેશની નામાંકિત IIT દિલ્હી ટેક્સટાઈલ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવ્યો છે. નાનપણથી જ ભણવામાં હોશિયાર અવિરાજે પ્રાથમીક શિક્ષણ પોતાના ગામમાં જ લીઘું હતું. ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંતોકબા વિદ્યામંદિર માલે ગામમાં લીધું હતું.
અવિરાજના પરિવારમાં કુલ 11 ભાઈ-બહેનો છે. વિશાળ પરિવારમાં અવિરાજ સૌથી નાનો છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ તેમના માં બાપે પોતાના બાળકોને તરછોડ્યા નહિ. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ વધવાની છૂટ આપી અને તેનું જ પરિણામ અવિરાજ કહી શકાય. ધોરણ 10માં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવનાર અવિરાજમાં વધુ ઉચ્ચ શિક્ષણ મેળવવાની મહેચ્છા જાગી. શાળામાં શિક્ષકોના માર્ગદર્શન મેળવી પોતાનો ધ્યેય નક્કી કર્યો હતો. પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તનતોડ મહેનત કરીને દિલ્લી જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો છે. જે ડાંગના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે.