સાપુતારાઃ ડાંગના ગિરિમથક સાપુતારામાં અત્યારે કમોસમી વરસાદે હાજરી નોંધાવી છે. આ વરસાદને પરિણામે વાતાવરણ આહલાદક અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. જો કે આ કમોસમી વરસાદે ખેડૂતોમાં ચિંતા પેદા કરી દીધી છે.
Dang News: ગિરિમથક સાપુતારામાં કમોસમી વરસાદ પડ્યો, આહલાદક વાતાવરણ છવાયું - આહલાદક વાતાવરણ
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં કમોસમી વરસાદ પડ્યો છે. સમગ્ર પંથકમાં આહલાદક વાતાવરણ છવાઈ ગયું હતું. જો કે આ કમોસમી વરસાદને પરિણામે ખેડૂતો ચિંતીત બન્યા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક
Published : Nov 10, 2023, 10:55 AM IST
પાકને નુકસાન થવાની ભીતીઃ રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે ધીમી ધારે કમોસમી વરસાદ પડ્યો છે. સાપુતારાના તળેટી વિસ્તારમાં આ વરસાદના પાણી ભરાઈ ગયા હતા. વાતાવરણમાં આવેલા આ પલટાથી પ્રવાસીઓ મુલાકાતીઓમાં રોમાંચ જોવા મળ્યો હતો. જો કે આ વરસાદને પગલે ખેડૂત વર્ગ ચિંતામાં મુકાઈ ગયો છે. આ કમોસમી વરસાદ ડાંગના શિયાળુ પાકને તેમજ કાપણી કરીને રાખેલા પાકને પણ નુકસાન પહોંચાડી શકે તેમ છે. આ ઉપરાંત સાપુતારા પંથકમાં થતા શાકભાજી અને કઠોળ જેવા પાકોને પણ નુકસાન થઈ શકે તેમ છે.
વાતાવરણમાં અચાનક પલટોઃ ડાંગના સાપુતારામાં સુરજ મધ્યાહને તપી રહ્યો હતો ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા. થોડાક વીજળીના ચમકારા બાદ ધીમી ધારે વરસાદ શરુ થઈ ગયો હતો. આ વરસાદથી સાપુતારાના તળેટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સમગ્ર વાતાવરણમાં થોડી વાર પહેલા ગરમી હતી તેના બદલે કમોસમી વરસાદ બાદ ઠંડક પ્રસરી ગઈ હતી. ડાંગના સાપુતારામાં સીઝન સિવાય પણ બારેમાસ પ્રવાસીઓ જોવા મળે છે. વાતાવરણમાં આવેલા આ પલટાને લીધે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. સમગ્ર સાપુતારાનું વાતાવરણ હિમાચલ પ્રદેશના ગિરિમથક જેવું થઈ ગયું હતું. જેનો પ્રવાસીઓ અને મુલાકાતીઓએ લ્હાવો માણ્યો હતો.