- ડાંગ જિલ્લા પોલીસ વડા દ્વારા જુગારની પ્રવૃત્તિઓને રોકવા સૂચનો કર્યા
- LCBની ટીમ દ્વારા મહારાષ્ટ્રના બે ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી
- આ બન્ને ઈસમો વઘઇ તાલુકાનાં ગુંદવહળ ગામે જુગાર રમાડતા હતાં
ડાંગ પોલીસે જુગાર રમાડનાર 2 મહારાષ્ટ્રનાં ઈસમો સામે કાર્યવાહી કરી - પ્રોહી/જુગારની પ્રવૃત્તિ
ડાંગ જિલ્લાની LCB પોલીસની ટીમે વઘઇ તાલુકાનાં ગુંદવહળ ગામે વરલી મટકાનો જુગાર રમાડનાર બે મહારાષ્ટ્રનાં ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેના લીધે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ડાંગઃ પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃત્તિને ડામવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પી.એસ.આઈ.પી.એચ.મકવાણાની ટીમને સૂચનો કર્યા હતા. જે સૂચનોનાં આધારે ગતરોજ ડાંગ LCB, SI પી.એચ.મકવાણા સહીત હેડ કોન્સ્ટેબલ હરીશભાઈ બાગુલ,રણજીતભાઈ પવાર,લક્ષમણ ગવળી તથા પ્રમોદભાઈનાઓ સાપુતારા પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગ કરી રહયા હતા.
લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી
નડગચોંડ ગામ નજીકનાં ત્રણ રસ્તા પાસે પોલીસને બાતમી મળી હતી કે ગુંદવહળ ગામનાં ખડકીનામાળ નામથી ઓળખાતી જગ્યા ઉપર મહારાષ્ટ્ર સુરગાણાનો એક ઈસમ લોકો પાસે પૈસા લઈ વરલી મટકાનો ટાઈમ બંધ બજારનો આંકડાનો જુગાર રમાડી રહયો છે. જે બાતમીનાં આધારે LCB પોલીસની ટીમે આ સ્થળ પર રેડ કરતા અહી વરલી મટકાનો જુગાર રમાડનાર સંજયભાઈ લક્ષમણભાઈ નાસિક મહારાષ્ટ્રની ઝડતી લેતા તેની પાસે ટાઈમ બજારની આંકડા લખેલી સ્લીપો નંગ.17 બોલપેન નંગ-1 તથા કુલ રોકડ રકમ રૂપિયા 3270નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ઇસમની પોલીસ દ્વારા પૂછપરછ કરાતા તે સુરગાણા ગામનાં ભાસ્કરભાઈ પવારને આંકડાનું વલણ આપતો હોવાનું જણાવ્યુ હતુ. હાલમાં ડાંગ LCB પોલીસની ટીમે આ બન્ને ઈસમો સામે જુગારધારા એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.