ડાંગ : અંબિકા નદીના વઘઇ પાસે આંબાપાડાના ધોધ તરીકે પણ સ્થાનિકો માટે ગીરાધોધનું અલગ મહત્ત્વ છે. અંબિકા નદી આમ તો તોફાની નદી કહેવાય છે પણ અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમાં શાંતિથી વહે છે. અંબિકાનદીનો જળરાશિ અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે જળધોધનું આ વિહંગમ દ્રશ્ય નજર સામે આવતાં પર્યટકો રોમાંચિત થઇ ઉઠે છે અને અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.
પર્યટકો માટે બેસ્ટ સીઝન: ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ ત્યારે પવનની સરસરાટ સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની શીકર તમને ચોક્કસ જ ભીંજવી નાખતી હોય છે.. અંબિકા નદીનું આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવાજાણવા અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ખૂબ અનુકૂળ હોવાથી આ ઋતુમાં અહીં પર્યટકોનો મેળાવડો જામે છે. સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળતી અંબિકા નદી અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમાં ગીરાધોધનું પ્રાકૃતિક દ્રશ્ય રચે છે. પ્રકૃતિના ચાહક એવા પર્યટકોની અહીંની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણુ બની જાય છે.
સોવેનિયર શોપ સંકુલ : ડાંગ વહીવટીતત્ર દ્વારા રાજ્ય સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા મળતી પાયાની સુવિધાઓ ઊભી કરીને પ્રવાસીઓને આકર્ષે છે જે સ્થાનિકો માટે રોજગારનું માધ્યમ પણ બની રહે છે. પ્રકૃતિપ્રેમી પર્યટકોને પ્રકૃતિનો અણમોલ નજારો માણવાની સુગમતા રહે તે માટો ગીરાધોધ ખાતે રુપિયા 2.15 કરોડના ખર્ચે સોવેનિયર શોપ સંકુલ તૈયાર કરાયું છે. જે સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન સાથે અતિથિ દેવો ભવની ભાવના ઉજાગર કરે છે.
સ્થાનિક પરિવારોને રોજગારી : અહીં 32 દુકાનોના માધ્યમથી ગીરાધોધની આસપાસના અને વઘઇના સ્થાનિક પરિવારોને રોજગારી મળી રહે છે. તો સામે ગીરાધોધ ફરવા આવતા હજારો પર્યટકોને સ્થાનિક ચીજવસ્તુઓ સહિત ખાણીપીણીની સુવિધાઓ પણ સરળતાથી મળી રહે છે. ડાંગની અતિથિ દેવો ભવની સંસ્કૃતિ અને સંસ્કાર ઉજાગર કરવાના હેતુથી દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ગીરાધોધ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી આંબાપાડા ને આ દુકાનોનું પીપીપી ધોરણે સંચાલન સોંપવામાં આવ્યું છે. જે સીધી રોજગારી પુરી પાડે છે.
પ્રવાસીઓની સુરક્ષા બાબતે સચેત : ગીરાધોધ વિશાળ જળરાશિ ધરાવે છે અને ભારે વરસાદના દિવસોમાં અન્ય રીતે સાવચેતી રાખવાની હોય છે ત્યારે અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષા બાબતે સૌને સચેત રહેવાનો તંત્રનો પ્રયાસ હોય છે. ડાંગ જિલ્લા વહીવટી તંત્રે અહીં વિવિધ માર્ગદર્શક બોર્ડ મૂકી પર્યટકોને ગીરાધોધ અને અંબિકા નદીમાં નહાવા કે ઉતરવાની પ્રતિબંધ મૂકેલો છે. આવી પ્રવૃત્તિ કરવામાં ભૂતકાળમાં અહીં 22 લોકોએ જીવ ગુમાવી ચૂક્યા હોવાની વિગતો પણ અહીં દર્શાવાઇ છે. જેને કારણે અજાણ્યાં પ્રવાસીઓ સાવધ રહે છે અને જળધોધની સુંદરતાને દૂરથી જ માણે છે.
ગીરાધોધના પર્યાવરણની સાચવણી : વન વિસ્તારમાં પ્રવાસે આવતા પ્રવાસીઓને વન જતન અને સંવર્ધનના કાર્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ડાંગ જિલ્લો વન વિભાગે 'નો પ્લાસ્ટિક ઝોન' જાહેર કરેલો છે ત્યારે ગીરાધોધના પર્યાવરણને કોઈ નુકશાન ન પહોંચે તેની તકેદારી દાખવવા પણ વન વિભાગની અપીલ હંમેશા રહે છે. ગીરાધોધ ફરવા આવતાં લોકો ડાંગ જિલ્લાની આ નયનરમ્ય જગ્યાની યાદગીરીરૂપે વાંસની જુદીજુદી બનાવટો જેવી કે રમકડાં અને શો પીસ,નાગલી અને તેના વિવિધ ઉત્પાદનોની ખરીદી કરતાં જોવા મળતાં હોય છે. ગીરાધોધ ખાતે સ્થાનિક વેપારી પરિવારો પર્યટકો સાથે તાદાત્મ્યતા કેળવીને પોતાના વેપારધંધાના વિકાસ સાથે ડાંગ જિલ્લાના અદભૂત પ્રાકૃતિક સૌંદર્યનો ખજાનો દર્શાવતાં ગીરાધોધ તરફ સહેલાણીઓને આકર્ષી રહ્યાં છે.
- ડાંગમાં મેઘરાજા મહેરબાન, ગીરા ધોધનું નાયગ્રા સ્વરૂપ તો ઘણા વિસ્તારમાં મેઘાનું રોદ્ર સ્વરુપ
- 300 ફૂટ ઊંચેથી ખાબકતા ગિરમાળ ધોધનો અદભુત નજારો, ગુજરાતનો સૌથી ઊંચો ધોધ
- ડાંગ જિલ્લાનો વઘઇ ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો