ડાંગ: વહીવટી મથક આહવા ખાતે આવેલી સરકારી વિનિયન અને વાણિજ્ય વિજ્ઞાન કોલેજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સાથે સંલગ્ન છે. આહવાની આ કોલેજમાં ફક્ત સ્નાતક કક્ષા સુધીના જ અભ્યાસક્રમો ચાલે છે. જ્યારે અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરવા માટે ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓને જિલ્લા બહાર જવું પડતુ હોય છે.
ડાંગ જિલ્લા NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા આહવા કોલેજમાં PG અભ્યાસક્રમ ચાલુ કરાવવા માગ ડાંગ જિલ્લો આદિવાસી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તાર હોવાથી અહીના વિદ્યાર્થીઓને બહારના જિલ્લામાં અભ્યાસ માટે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ કોલેજમાં પ્રવેશ અને હોસ્ટેલ વગેરેની વ્યવસ્થા માટે મુશ્કેલીઓ નડતી હોય છે. ગુજરાત સરકારની માર્ગદર્શિકા મુજબ દરેક જિલ્લામાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિષયોને માન્યતા આપવામાં આવેલી છે. તેમ છતાં પણ ડાંગ જિલ્લામાં આજદિન સુધી અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ ચાલુ થયો નથી.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાં આવેલી કોલેજમાં વર્ગખંડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેથી અહી હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, બી.એડ, એમ.કોમ, એમ.એસ.સી વગેરે વિષયો ચાલુ કરવામાં આવે તો ડાંગના વિદ્યાર્થીઓ ઘરઆંગણે અનુસ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે.
આહવામાં આવેલી આ કોલેજમાંથી દર વર્ષે 800થી વધુ વિદ્યાર્થીઓ સ્નાતક ડિગ્રીઓ મેળવે છે. પરંતુ અનુસ્નાતકના વિષયો માટે કોલેજમાં સગવડો ના હોવાના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ પડે છે. કોવિડ-19 જેવી મહામારી વચ્ચે આ કોલેજમાં વિદ્યાર્થીઓ ઘરઆંગણે ભણી શકે અને તેમનું ભવિષ્ય જોખમાય નહી તેથી સરકારને રજૂઆત કરવા ડાંગ કલેક્ટર એન.કે.ડામોરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ આવેદનપત્ર આપવા માટે આહવા NSUIના પ્રમુખ પરેશભાઈ ચૌધરી,યુથ કોંગ્રેસના પ્રમુખ વિનોદભોયે ,ડાંગ જિલ્લા કોંગ્રેસના કાર્યકર સ્નેહલભાઈ ઠાકરે, ઈદિંરાબેન રોહિત કારોબારી અધ્યક્ષ, બિરશા બ્રિગેડના મહેશભાઈ આહીર અને રાજેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.