ડાંગ: ગુજરાત રાજ્યની ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકો, કોર્પોરેશન, નગરપાલિકા તથા જિલ્લા તાલુકાની ચૂંટણી સંભવિત નવેમ્બર-ડીસેમ્બર મહિનામાં યોજાનાર છે. આ અંગે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સીંમાકન નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં ડાંગ જિલ્લાની જિલ્લા અને તાલુકા લેવલની બેઠકોમાં ફેરબદલી કરવા અંગે રાજ્ય ચૂંટણી આયોગને વાંધાઅરજી કરવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ડાંગ જિલ્લાની જિલ્લા લેવલની 18 બેઠકો માટે અનામત પ્રમાણે ફાળવણી કરવામાં આવે છે. પરંતુ બેઠકોમાં ફેરબદલી અને 2015માં ફાળવવામાં આવેલી બેઠકોમાં વારાફરતી પુરુષ બેઠકની જગ્યાએ સ્ત્રી અને સ્ત્રી બેઠકની જગ્યાએ પુરુષ બેઠકનું રોટેશન કરવાનું હોય છે. જે આ વખતે કરવામાં આવ્યું નથી.
જિલ્લાની 18 બેઠકોમાંથી લગભગ 10 બેઠકો ઉપર મહિલા અને પુરુષની ફેરબદલી કરવામાં આવી નથી. તેમજ જિલ્લાનાં ત્રણેય તાલુકા પંચાયતો આહવા, વઘઇ અને સુબીરમાં પણ 2-2 બેઠકો ઉપર ફેરબદલી થઇ નથી. આ ઉપરાંત 2015ની સામાન્ય ચૂંટણીમાં બક્ષીપંચની બેઠકો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ફાળવેલી હતી. જે હવે 2020ની સામાન્ય ચૂંટણીમાં ફાળવવામાં આવી નથી.
સુબીર અને વઘઇ તાલુકા પંચાયતમાં અનુસૂચિત જાતિના કોઇ મતદાર કે વસ્તી નથી. તેમ છતાં પણ ત્યાં અનુસૂચિત જાતિની બેઠકો ફાળવવામાં આવી છે. પેસા એક્ટ હેઠળ જ્યાં અનુસૂચિત જનજાતિની વસ્તી હોય અને અન્ય કોઇ જાતીની વસ્તી ન હોય ત્યાં અનુસૂચીત જનજાતિને ધ્યાનમાં રાખવી પડે છે. તેમ છતાં તે પ્રમાણે બેઠક ફાળવવામાં ન આવતા ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરીએ રાજ્ય ચૂંટણી આયોગને અરજી કરી વાંધાસૂચનો આપ્યા હતા અને સર્વના હિતમાં નિર્ણય લેવાની માંગણી કરી હતી.