- ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથનો મામલો
- કોગ્રેસના ત્રણ ધારાસભ્યોએ મૃતક યુવાનના પરિવારજનોની મુલાકાત કરી
- જિલ્લા વેપારી એસોસિએશને ડાંગ બંધને આપ્યુ સમર્થન
ડાંગઃ ગત તા.21-07-2021ના રોજ ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગ જિલ્લાના સુનિલ પવાર (દોડીપાડા), રવિ જાધવ(વધઈ)નું ચીખલી પોલીસ સ્ટેશનમાં પંખા સાથે વાયર વડે શંકાસ્પદ હાલતમાં બન્ને યુવાનોની ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. જે બાબતે ચીખલી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા તપાસ માટેની ટીમો બનાવી ધટનાની તપાસ ચાલી રહી છે. આ આદિવાસી યુવાનોના શંકાસ્પદ મૃત્યુના તપાસમાં ભીુનુ ન સંકેલાય તથા આદિવાસી યુવાનોને ન્યાય મળે તેમજ તેમના પરિવારજનોને વળતર મળે તે માટે ડાંગ જિલ્લાના નવ યુવાનો, આગેવાનો, વિવિધ રાજકીય પાર્ટી અને વેપારી એસોસિએશન દ્વારા બંધને સમર્થન આપ્યુ છે. જેથી સમગ્ર ડાંગ જિલ્લો સોમવારે બંધ પાળશે.
કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ મૃતક પરિવારની લીધી મુલાકાત
નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે શંકાસ્પદ આરોપીઓના મોતના મામલે કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરવામા આવી છે. કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યો દ્વારા આજે બે મૃતકો પૈકીના એક યુવકના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. આવતીકાલે અપાયેલા ડાંગ બંધના એલાનને પણ ધારાસભ્યો દ્વારા સમર્થન આપવામા આવ્યું હતું.
સમગ્ર આદિવાસી સમાજ દ્વારા પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે એક જૂથ થઈને આવતીકાલે ડાંગ બંધનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે આ મામલે ધારાસભ્યોએ પણ બંધને સમર્થન આપી તમામ આદિવાસીઓને એકજૂટ થવા હાકલ કરી હતી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યાં મુજબ મૃતક યુવાનોને ન્યાય અપાવવા માટે અમે જિલ્લા પોલીસ વડા કચેરી તથા કલેકટર કચેરી આવેદન આપી આવ્યા છે અને આજે અમે પીડિત પરિવારના ઘરે તેમને સાંત્વના આપવા માટે પહોંચ્યા છે અહીં કેટલાક આગેવાનો દ્વારા પીડિત પરિવારને લોભ લાલચ અને ધાક ધમકી આપે છે તેમને અમે જણાવવા માંગીએ છે કે સમગ્ર ગુજરાતના આદિવાસીઓ આ પરિવારની સાથે છે ચીખલી પોલીસે નોંધેલી એફ.આઈ.આર શંકાના દાયરામાં છે તેના પર મને વિશ્વાસ નથી પોલીસે જવાબદારો સામે સસ્પેન્શનની કામગીરી કરી તેમાં અમે ખુશ નથી તેમના વિરુદ્ધ એટ્રોસિટીની કલમ તથા માનવવધનો ગુનો દાખલ થાય તો જ મૃતકોને ન્યાય મળશે.
શું છે સમગ્ર મામલો?
નવસારીના ચીખલી પોલીસ મથકમાં ચોરીના ગુનામાં ડાંગના વઘઇથી લવાયેલા 2 આરોપીઓએ પોલીસ કસ્ટડીમાં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાને પગલે સુરત રેન્જના એડીજી, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આરોપીઓના આત્મહત્યા મુદ્દે તપાસનો ધમધામાટ શરૂ કરવામાં આવ્યો હતો. નવસારીના ચીખલી પોલીસે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ઢોલીપાડા ગામેથી સુનિલ ઉર્ફે લાલુ સુરેશ પવાર (19) અને વઘઇમાં રહેતા રવિ સુરેશ જાધવ (19)ને ચોરીના ગુનામાં શંકાના આધારે લાવી હતી. જેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે પોલીસ મથકના કોમ્પ્યુટર રૂમમાં સુનિલ અને રવિ બંને વાયરથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતા.
આ મામલે ત્રણ પોલીસ કર્મીઓને કરવામાં આવ્યાં હતા સસ્પેન્ડ
નવસારીના ચીખલી પોલીસ મથકમાં ચોરીના ગુનામાં શંકાના આધારે લાવવામાં આવેલા ડાંગના વઘઇના બે યુવાનોએ ફાંસો ખાઈ આત્મહત્યા (suicide) કરી લેવાના પ્રકરણમાં જિલ્લા પોલીસ અધિક્ષકે ચીખલી પોલીસના PSI સહિત ત્રણ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. ઉલ્લેખનિય છે કે આદિવાસી સંગઠને ચીખલી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી.